________________
પત્રાંક-૬ ૭૦
પત્રાંક-૬૭૦
૨૧૫
મુંબઈ, ફાગણ સુદ ૧, ૧૯૫૨
ૐ સદ્ગુરુપ્રસાદ
જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તોપણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે.
સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાનીપુરુષોનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે.
જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી.
તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી.. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે.
ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશકાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ, સત્પુરુષના ગુણગ્રામ, સત્પુરુષ પ્રત્યે પ્રમોદભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધભાવના લોકોને ઉપદેશે છે; જે પ્રકારે મતમતાંતરનો અભિનિવેશ ટળે, અને સત્પુરુષનાં વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય તેમ કરે છે. વર્તમાનકાળમાં તે પ્રકારની વિશેષ હાનિ થશે એમ જાણી શાનીપુરુષોએ આ કાળને દુષમકાળ કહ્યો છે, અને તેમ પ્રત્યક્ષ દેખાય છે.
સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે; એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે.