________________
૪૫૪
રાજહૃદય ભાગ-૧૩
એ કલ્પના ચાલી ગઈ છે. અને તેથી જગતના સર્વ જીવો. જૈનો, અજૈનો એવો ભેદ નથી. જૈન-અજૈનનો તો ભેદ નથી પણ ભવ-અભવિનો ભેદ નથી. નહિતર આગમ વાંચ્યું છે એને તો ખબર છે કે અભવી ક્યારે પણ બુઝવાના નથી. પણ એમની કારુણ્યવૃત્તિ એવી છે કે ભવી-અભવી કેવળજ્ઞાનનો વિષય છે. મારી કરુણામાં તો બધાય જીવો પામો. અત્યારે જ પામો, અનવકાશપણે પામો. બધા જ સુખી થાવ, કોઈ દુઃખી ન થાવ. એવી ૫૨મ કારુણ્યવૃત્તિ જ્ઞાનીને એના અંતરમાંથી ઉદ્દભવેલી એક (સહજ વૃત્તિ છે). સહેજે પોતે સુખી થયા છે તો પોતાના જેવા બધા જીવોની અંદ૨ સુખનો ભંડાર છે એ ભંડાર ખોલીને બધા પણ સુખી થાય. મારે તો કાંઈ લેવા-દેવાનું છે નહિ. પોતાના ભંડારની ચાવી ખોઈ બેઠા છે. છે પોતાની પાસે પણ કાં છે એની એને ખબર નથી. એ ચાવી દેખાડે છે કે તારી ચાવી અહીંયાં પડી છે અને ભંડાર અહીંયાં પડ્યો છે. ખોલી નાખ અને થા સુખી. એવી પરમ કારુણ્યવૃત્તિ જ્ઞાનીને હંમેશા હોય છે. સર્વ જ્ઞાનીઓને હોય છે. તીર્થંકરોને તો વિશેષ-વિશેષપણે હોય છે. એ તો એની મુખ્ય પ્રકૃતિ છે. આ તો પ્રકૃતિ છે એટલે વ્યવહારમાં જાય છે.
એ સિવાય વ્યવહાર દશામાં પૂર્ણતાને લક્ષે ઉપડ્યા છે એટલે પૂર્ણતાની ભાવના અને મુનિદશાનો પુરુષાર્થ એક ઉત્કૃષ્ટ કેવળજ્ઞાન લેવા માટેની સાધકદશા હોવાથી નિગ્રંથદશાની ભાવના પણ જ્ઞાનદશામાં આવ્યા વિના રહેતી નથી. એ એક એમનું વ્યવહારનું પડખું છે કે જે વ્યવહારના પડખેથી એમને આવો પ્રકાર સહેજે સહેજે, નિશ્ચયસ્વરૂપની આરાધના કરતા-કરતા, એ આરાધનાની ઉત્કૃષ્ટ દશારૂપ જે મુનિપણું, એ મુનિપણાની ભાવના આવ્યા વિના રહેતી નથી.
‘કૃપાળુદેવ’નો ‘અપૂર્વ અવસર...' કાવ્ય એનો પુરાવો છે. એ પુરાવો બહુ મોટો છે. એ વખતે દિગંબર મુનિઓના સંબંધમાં કોઈ બીજી વાતો એમણે પ્રસિદ્ધ નહિ કરી હોવા છતાં પોતાની ભાવનામાં એ વાત પ્રસિદ્ધ કરી નાખી છે કે આવો નિગ્રંથ. અંતર-બાહ્ય નિગ્રંથ થવા હું ચાહું છું, એ મારી ભાવના છે અને એવો અપૂર્વ અવસર મને કયારે આવે ? એ પણ વ્યવહારનયના વિષયનું પડખું છે.
એવું જ વ્યવહારનયના વિષયનું પડખું વર્તમાન ઉદયનું હોય છે કે વર્તમાન ઉદયમાં ઉદાસીનતા (હોય છે). એ તો આ પ્રશ્ન ઉઠાવ્યા છે ત્યાં જ લખ્યું છે કે કાંઈ પ્રવૃત્તિ કરવા પ્રત્યે જેની વૃત્તિ નથી. એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી અને કરવાથી ઉત્પન્ન થતું ફળ જે દુકાનની કમાણી, એના પ્રત્યે જેની ઉદાસીનતા વર્તે છે. એવા જો કોઈ આપ્તપુરુષ છે એ જ્ઞાનીપુરુષ છે. અને એ જ્ઞાનીપુરુષને