________________
માર્ગાનુસારીના ગુણોમાં ત્રીજો નંબર છે ઃ ઉચિત-વિવાહ. ઉચિત વિવાહ એટલે યોગ્ય વિવાહ.
વિવાહની વાત નીકળી છે એટલે કામ પુરુષાર્થની વાત આવે જ. આર્યાવર્તની સંસ્કૃતિ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ ઉપર નિર્ભર છે, મોક્ષ એમાં પ્રધાન પુરુષાર્થ છે અને ધર્મ તેમાં પ્રબળ સહાયક પુરુષાર્થ છે.
અર્થ અને કામને પણ પુરુષાર્થ કહેવાનું કારણ એ કે તે બંને ધર્મ દ્વારા સુનિયત્રિત હોય.
સૌથી શ્રેષ્ઠ બ્રહ્મચર્યનું પાલન ઃ
સૌથી શ્રેષ્ઠ તો એ છે કે જેઓ જીવનભર ઉત્તમ પ્રકારના બ્રહ્મચર્યનું પાલન કરીને શ્રેષ્ઠ એવા ધર્મ-પુરુષાર્થને આરાધે છે.
એવા છે જૈન મુનિઓ અને સાધ્વીજી મહારાજો, જેઓ સંસારમાં અઢળક વૈભવ અને ઋદ્ધિ-સમૃદ્ધિ હોવા છતાંય તેના પ્રત્યે જ્વલંત વૈરાગ્ય કેળવીને જીવનભર બ્રહ્મચર્યની સુંદ૨ સાધના કરે છે અને ઉત્તમ સંયમનું પાલન કરે છે. તેઓ ખરેખર અતિ ધન્ય છે.
લગ્નસુખ મેળવવાની અતિ અનુકૂળતા હોવા છતાં જેઓ એને દુ:ખરુપ માનીને પહેલેથી જ ત્યજી દે છે એવા મુનિઓ તો અતિ ધન્ય છે જ. પરંતુ પેલો લોચનદાસ પણ ધન્ય છે કે જે ગયો હતો તો લગ્નસુખ મેળવવા, પણ એક સામાન્ય ઘટનાએ જેને જીવનભરનો બ્રહ્મચારી બનાવી દીધો.
લોચનદાસ અને તેની પત્નીની વીરતા :
સામાન્ય સ્થિતિનો આ લોચનદાસ અતિ ગરીબ હતો. આથી એ જોરદાર ઠાઠમાઠ સાથે લગ્ન-પ્રસંગને ઊજવવા સમર્થ ન હતો.
સાદાઇથી જ લગ્ન કરવા તે આવી રહ્યો હતો જે ગામમાં તેની મંગેતર રહેતી હતી ત્યાં.
ગામના પાદરે એક કૂવો હતો. ત્યાં કેટલીક પનિહારીઓ પાણી ભરી રહી હતી. ત્યાં આવીને પેલો લોચનદાસ થોભ્યો. એણે એક પનિહારીને પૂછ્યું, “એ બેન ! અમુક ભાઇનું ઘર ક્યાં આવ્યું ?''
૪૮