________________
‘બરફીની વાત જવા દો...કેળાવડા તો એવા બન્યા હતા કે બે-ચાર ટોપલા ઘરે લાવવાનું મન થઇ ગયેલું...’
‘છોડો એ વાત...આવી ખાટી-મીઠી કળી ક્યાંય ચાખી હતી ખરી ?' ‘અલ્યા ! બધુંય જવા દો...શેઠની આટલી ઉદારતા છતાં જે નમ્રતા તેમનામાં જોવા મળતી હતી એ બીજે ક્યાંય જોઇ ?'
ગાડામાં અંદર અંદર ચાલી રહેલી આવી વાતો સાંભળીને નાળાની નીચે બેસી રહેલા શેઠનો તો હર્ષ સમાતો નહોતો...‘આટલા પૈસા ખર્ચ્યા...તે લેખે લાગ્યા...સંપત્તિ તો આજે છે અને કાલે નથી પણ આ માન-સન્માન ક્યાં મળે છે ?... ચાલો, દીકરીય સાસરે સુખી તો રહેશે...એને કોઇના મેણાં-ટોણાં તો સાંભળવા નહિ પડે !'
અને ત્યાં તો ઉપરથી અવાજ સંભળાયો....
‘શું બધા શેઠની આટલી બધી પ્રશંસા કર્યા કરો છો ? મિઠાઇ તો સારી કંદોઇને ત્યાંય મળે છે...એને શું ક૨વાની ? વેવાઇએ મિઠાઇ ને ફરસાણ આટલા સારા ખવડાવ્યાં પણ એમણે એટલીય કાળજી ન કરી કે લાવ, વૈશાખ મહિનાની સખત ગરમી છે તો બધાયને પાણી એકદમ ઠંડું પીવડાવું ! અરે ! ટેસદાર મિઠાઇ ફરસાણ ખવડાવીને વેવાઇએ તો હાલત બગાડી નાંખી ! કારણ કે એ ખાધા પછી પાણીની તરસ સખત લાગતી હતી અને વેવાઇએ પાણી રાખ્યું હતું ગરમાગરમ ! પીઓ તો તરસ ઓછી તો ન થાય પણ વધતી જ જાય આ તો સારું થયું કે ત્યાંથી ત્રણ દિવસમાં જ છૂટકારો થઇ ગયો...'
આ સાંભળીને શેઠની હાલત કાપો તોય લોહી ન નીકળે તેવી થઇ ગઇ...દેવું કરીને આ પ્રસંગ પતાવ્યો અને ઇનામમાં આ સાંભળવા મળ્યું ! વીલે મોઢે શેઠ પાછા ઘર તરફ ફર્યા...પણ મોઢા પરનું નૂર ઊડી ગયું ! હવે તો સામે દેવું દેખાવા લાગ્યું...‘ગામડામાં લાંબી કમાણી તો છે નહિ અને આ દેવું પૂરું શી રીતે કરીશ ?' આ વિચારમાં ને વિચારમાં શેઠને ચિતભ્રમ થઇ ગયો...અને આપઘાત કરીને તેમણે જીવન ટૂંકાવી દીધું !
૩૭૦