________________
મમ્મણે ધનની કારમી લાલસાના કારણે તે જીવનમાં ધર્મ તો ખોઇ નાંખ્યો, પણ સંસારમાં ભોગ સુખોને પણ તે ભોગવી ના શક્યો. આ લોકમાં તે દુઃખમય જીવન જીવ્યો અને પરિગ્રહ-સંજ્ઞાના પાપે પરલોકમાંય નરકનું ઘોર દુ:ખમય જીવન પામ્યો.
જેઓ ધન મેળવવામાં લંપટ બને છે, તેઓની આવી જ દશા થાય છે. વર્તમાન જીવનમાં તેઓ શાંતિ પામી શકતા નથી. કોઇની સાથે મિત્રાચારી બાંધી કે ટકાવી શકતા નથી. સ્નેહીજનો સાથે સંબંધ જાળવી શકતા નથી. ક્યાંય કોઇના પ્રત્યે વિશ્વાસ મૂકી જ શકતા નથી. દગો, જૂઠ અને ક્રૂરતા ઇત્યાદિ અનેક દુર્ગુણોનું તેઓ ધામ બની જતા હોય છે. સતત આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમય થયેલું મન અનેક પાપોનું ઉદગમ સ્થાન બની જાય છે.
આવા માણસોનો પરલોક પણ ભયાનક જ હોય છે. અનેક દુર્ગતિઓમાં નરક અને નિગોદમાં અનંતકાળ પર્યન્ત ભટકવાનું...દારુણ વેદનાઓ અને વ્યથાઓમાં અનંતકાળ પસાર કરવાનો...વેદનાઓથી ગ્રસ્ત આત્મા મરવા ઝંખે પણ સ્વેચ્છાએ મરવાનું સદભાગ્ય પણ ત્યાં પ્રાપ્ય નહિ, સતત આર્ત-રૌદ્ર ધ્યાનની અશુભ પરંપરામાં જીવવાનું...સતત રીબામણીઓ અને સખત સતામણીઓ !
અર્થ-પુરુષાર્થમાં આંધળાભીંત બનીને લંપટ બનવાના આ છે કરુણ વિપાકો !!! માટે જ અર્થ પુરુષાર્થને નીતિ અને પ્રામાણિકતા વગેરે સદ્ધર્મથી નાથવાની ખૂબ જરૂરિયાત છે. આમ થતાં અર્થોપાર્જનમાં અંધાપો નહિ આવે. અર્થ-પ્રવૃત્તિ કરતાં ધર્મની હંમેશાં પ્રધાનતા રહેશે.
આ જ રીતે માનવજીવનમાં કામ-પુરુષાર્થને પણ પ્રધાનતા આપવી ન ઘટે. ધર્મ-પ્રવૃત્તિ અને અર્થ-પ્રવૃત્તિની ઉપેક્ષા કરીને કામભોગની પ્રવૃત્તિમાં મશગૂલ રહેવું તે પણ સદંતર અયોગ્ય છે.
કામ-પુરુષાર્થનું વધુ પડતું સેવન અનેક પાપોનું જન્મસ્થાન છે. તેથી જ કામપુરુષાર્થને પરસ્ત્રીત્યાગ અને સ્વસ્ત્રીસંતોષ નામના સદ્ધર્મો દ્વારા નિયંત્રિત કરવો જોઇએ. સગૃહસ્થ સદાચારમય જીવન જીવવા માટે પરસ્ત્રી તરફ તો કામદ્રષ્ટિએ આંખ ઉઠાવીને જોવું પણ ન જોઇએ તો પરસ્ત્રીસેવનનો તો વિચાર , સુદ્ધાં પણ કેમ થાય ?
૩૦૨