________________
તે વાત મંજૂર કરી.
બીજે દિવસે જ્યારે શેઠાણી જમવાનું લઇને જેલમાં આવ્યા ત્યારે શરત મુજબ ધરમદાસને અડધો ભાગ રામસિંગને આપવા માંડ્યો. તે વખતે શેઠાણીએ જોરદાર વિરોધ નોંધાવતાં કહ્યું “તમે આ શું કરી રહ્યા છો ? આપણા પુત્રના ખૂનીને તમે ભોજન આપો છો ?”
ત્યારે શેઠે ખુલાસો કરતાં કહ્યું “પણ હું શું કરું ? જો હું તેને મારા ભોજનમાંથી અડધો ભાગ નહીં આપું તો તે મારી સાથે સંડાસ-બાથરુમ આવવા તૈયાર નથી. આથી, મારે ના છૂટકે જ તેને ભોજન આપવું પડે છે. બાકી મને એના ઉપર જરાય પ્રેમ નથી.”
ધરમદાસ શેઠનો ખુલાસો સાંભળીને શેઠાણી ચૂપ થઈ ગયા.
જૈન શાસ્ત્રકારો આ દ્રષ્ટાંત દ્વારા આપણને એ વાત સમજાવે છે કે જેવી રીતે શેઠ પોતાના પુત્રના ખૂનીને ના છૂટકે ભોજન આપતા હતા. પરંતુ મનમાં તેના પ્રત્યે ભારે અણગમો રાખતા હતા...કારણકે તે પોતાના પુત્રનો ખૂની છે.
આ જ રીતે શરીર એ આપણો મિત્ર નથી પણ શત્રુ છે...કારણ કે આ શરીરના મોહના કારણે આપણો આત્મા અનાદિકાળથી ઘણા ઘણાં દુ:ખો અને પીડાઓ ભોગવતો આવ્યો છે. પણ છતાં આ જ શરીર દ્વારા આપણે ધર્મ આરાધવાનો છે. કર્મક્ષય કરીને મોક્ષની મંઝિલ સુધી પહોંચવાનું છે. આથી જ શરીરને ટકાવવું અને તેના દ્વારા આપણો મતલબ (ધર્મસાધનાનો) સાધી લેવાનો છે. તેથી તેને ભોજન આપવાનું ખરું. પરંતુ મોહ અને મમતા વગર, રાગ કર્યા વગર.
જ્ઞાની પુરુષો કહે છે : શરીરને આસક્તિના કારણે કદી પણ પોષશો નહિ. હા...અશક્તિના કારણે ઘી-દૂધ વગેરે પૌષ્ટિક ખોરાક લેવો પડે તો તે જુદી વાત છે. પરંતુ તેમાં આસક્તિને તો પેદા થવા જ ના દેશો.
આ વાત સંસારના ત્યાગી સાધુ સંતોને જેમ લાગુ પડે છે તેમ જેને સારા માણસ (સજ્જન) બનવું હશે તેના માટે પણ એટલી જ ગંભીરતાથી લાગુ પડે છે.
જેને “મોક્ષ પામવાની અભિલાષા છે...અને તે મોક્ષના એક માત્ર સાધનધર્મ પ્રત્યે જેને પ્રેમ પેદા થયો છે...રસ જાગ્યો છે. એવા સારા માણસે (સ ગૃહસ્થ) પોતાના શરીરનું આરોગ્ય અવશ્યપણે સાચવવું જોઇએ.