________________
‘તપ’ એક અદ્ભુત અને અનિવાર્ય ઉપાય છે.
પરંતુ તે તપ કરતાં કરતાં શરીરને ખલાસ કરી નાંખવાની કોઇ વૃત્તિ રાખવાની નથી...હા...તપ કરતાં કષ્ટ પડે...તકલીફો આવે ત્યારે શરીર-સુખની પરવા કર્યા વગર તે તકલીફો અને સંકટોને સહન કરવાનો પ્રયત્ન હંમેશ કરતા રહેવું પણ...જ્યારે શરીરનું સામર્થ્ય અત્યંત પણે તૂટી જતું હોય...ઇન્દ્રિયો વગેરે ક્ષીણ થઇ જતી હોય...ત્યારે તપને કામચલાઉ સ્થગિત કરીને દેહનું પોષણ કરી લેવું તે જ શાસ્ત્રવિહિત છે.
પૂ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા ‘જ્ઞાનસાર' નામના શાસ્ત્રમાં લખે છે :
तदेव हि तपः कार्यं, दुर्ध्यानं यत्र नो भवेत् ॥ येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि वा
અર્થ : ત્યાં સુધી જ તપ કરવો, કે જ્યાં સુધી મન આર્તધ્યાનમાં પડી ન જાય...અને જેના દ્વારા મન-વચન અને કાયાના યોગો શક્તિહીન બની ન જાય...તથા ચક્ષુ આદિ ઇન્દ્રિયોનું સામર્થ્ય ખલાસ ન થઇ જાય....
જો ઘોર તપ કરતાં કરતાં કોઇ મુનિની ચક્ષુરિન્દ્રિય (આંખ)ની શક્તિ ચાલી જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય તો, તેવા સમયે તે મુનિવરે પારણું કરી લેવું તેવી શાસ્ત્રાજ્ઞા છે. કેમકે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો સાવ શક્તિહીન બની જાય તો તે મુનિવરાદિને સમગ્ર જીવન સંયમ-પાલનમાં તીવ્ર બાધાઓ ઉપસ્થિત થાય...
આ જ રીતે કેટલાક આત્માઓ માસક્ષમણ વગેરે ઉગ્ર તપશ્ચર્યાઓ એવી રીતે-મરી મરીને કરતા હોય છે કે તેઓ બે ટાઇમ પ્રતિક્રમણ પણ ન કરી શકે...અથવા સૂતાં સૂતાં જ કરી શકે...તેમની શારીરિક-માનસિક સ્થિતિ એટલી હદે નબળી પડી જતી હોય છે કે તેમના કુટુમ્બીજનોને સતત તેમની સેવામાં ઉપસ્થિત રહેવું પડતું હોય છે. વારંવાર નિઃસાસા નાંખતા નાંખતા...બીજાઓની સેવાની સતત અપેક્ષા કરતાં કરતાં તપ કરનારા આત્માઓએ ઊંડું આંતરનિરીક્ષણ કરવું જોઇએ કે તેમનો આ પ્રકારે કરાતો તપ સમાજ પાસેથી માન, પ્રતિષ્ઠા કે કીર્તિ વગેરેને મેળવી લેવા તો નથી કરાતો ને ? અને આથી જ પ્રત્યેક તપસ્વીએ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના ઉપર્યુક્ત શ્લોકના ભાવાર્થને ઊંડાણથી સમજી લેવો જોઇએ.
૨૬૪