________________
પ્રશ્ચાત્તાપથી પ્રસન્નચન્દ્રને કેવળજ્ઞાન :
ભગવંતે કહ્યું “મુનિ પ્રસન્નચન્દ્ર રાજમુગુટ લેવા જ્યાં મસ્તક ઉપર હાથ મૂક્યો...ત્યાં મસ્તક તો મુંડિત હતું. પ્રસન્નચન્દ્ર હવે રાજવી થોડા હતા ! એ તો મુનિવર હતા ! આથી મુંડિત મસ્તક પર જ્યાં હાથ મૂક્યો ત્યાં જ તેમને ખ્યાલ આવી ગયો કે : “અરે ! આ શું ? હું તો રાજ્ય-પુત્ર-પરિવાર વગેરે તમામનો ત્યાગી મુનિ છું. મારે અને રાજ્યને શી લેવાદેવા ? મારે અને પુત્રને હવે શો સમ્બન્ધ ? આ તો હું નિરર્થક માનસિક સંકલેશમાં પડ્યો..!! અરરર ! આ મેં બહુ ખોટું ચિતવ્યું !”
“આ રીતે તેમનું મન પશ્ચાત્તાપની ધારાથી પરિપ્લાવિત થતું ગયું...તેથી તેમણે સાતમી નરકના બાંધેલા કર્મ-દળિયાં ધીરે ધીરે ખરવાં લાગ્યાં અને પશ્ચાત્તાપની ધારા જેમ જેમ વિશુદ્ધ થતી ગઇ તેમ તેમ ઊંચા ઊંચા દેવલોકની પ્રાપ્તિનું પુણ્ય તેઓ ઉપાર્જવા લાગ્યા. એ ધારા એટલી વિશુદ્ધ બની કે તે તેઓ સર્વાર્થસિદ્ધ-વિમાનને પામી શકે...આથી મેં કહ્યું કે : “હવે જો મુનિ મૃત્યુ પામે તો સર્વાર્થસિદ્ધમાં જાય !”
“પણ.મુનિની પશ્ચાત્તાપ-માત્રા આટલેથી જ ન અટકી. તેઓ તો વિશુદ્ધ અને વિશુદ્ધતર ભાવોને પામતા જ ગયા...અંતે એ માનસિક વિશુદ્ધિ એટલી ઉત્તમ બની ગઇ કે તેઓ ચાર ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાનને પામ્યા...મુનિવર વીતરાગ ભગવાન બની ગયા. આ પ્રસંગના અનુમોદન કાજે દેવોએ આકાશમાં દેવ-દુન્દુભિ વગાડી.”
ભગવંતે વાત પૂર્ણ કરી. ત્યારે શ્રેણિક મહારાજાના અંતરમાં પણ પ્રસન્નચન્દ્ર રાજર્ષિ પ્રત્યે બહુમાનનો સમંદર ઉછળી રહ્યો... બાહ્યવેશ પણ સદ્ધર્મનો રક્ષક :
પ્રસન્નચન્દ્ર મુનિનો આ પ્રસંગ બાહ્ય-વેશ પણ સદ્ધર્મની રક્ષા કરવા માટે કેવો જબરજસ્ત ઉપયોગી નીવડે છે તેનો પ્રેરક સંદેશ આપી જાય છે. જ્યારે પ્રસન્નચન્દ્ર મુનિ મનોમન ઘોર સંગ્રામ ખેલી રહ્યા છે. ત્યારે તીવ્રતમ કષાયભાવથી તેઓ સંકિલષ્ટ જ છે તેથી ભાવ સાધુપણું તેમનામાં નથી. ક્ષમાભાવનાની આંતરવિશુદ્ધિનો પરિણામ પણ નથી. આમ છતાં જ્યારે તેમણે રાજમુગુટ લેવા માટે માથે હાથ ફેરવ્યો ત્યારે મસ્તક મુંડિત હતું તેથી જ તેમને પોતાનો સાધુધર્મ