________________
પ્રભુ જવાબ આપે છે : “જે મુનિવર માટે તમે મને પ્રશ્ન કરી રહ્યા હતા કે તેઓ કઇ ગતિમાં જાય ? તે જ મુનિવરને કેવળજ્ઞાન થયું છે. તેના અનુમોદનરૂપે દેવો દુન્દુભિ વગાડી રહ્યા છે.”
શ્રેણિકનું આશ્ચર્ય નિરવધિ બન્યું. તેના વિસ્મયને જોઇને પ્રભુ કહે છે કે, “શ્રેણિક ! જ્યારે તેં પ્રથમવાર મને પૂછ્યું કે “હમણાં તે મુનિવર મૃત્યુ પામે તો ક્યાં જાય ?' તેનો મેં જવાબ આપ્યો કે “હમણાં મરે તો સાતમી નરકે.”
એનું કારણ એ હતું કે દુર્મુખ નામનો સેવક અને તેનો મિત્ર બે જણા વાતચીત કરતા હતા કે...આ પ્રસન્નચન્દ્ર રાજર્ષિએ મંત્રીઓના ભરોસે રાજ્ય છોડીને દીક્ષા તો લઇ લીધી પરંતુ તે વિશ્વાસુ મંત્રીઓએ પણ રાજાના વિશ્વાસને છેહ દીધો અને તેમના પુત્ર પાસેથી રાજ્ય છીનવી લીધું છે. આ વાત પ્રસન્નચન્દ્ર મુનિ સાંભળી ગયા...અને એમને દુર્બાન થયું...તેઓ તીવ્ર ક્રોધના અધ્યવસાયમાં એવા ચઢ્યા, એવા ચઢ્યા કે, “પોતે સંસારી નથી...રાજા નથી...પણ સાધુ છે' એ વાત જ ભૂલી ગયા. અને એમણે મનોમન મંત્રીઓ સાથે સંગ્રામ શરુ કરી દીધો.
દુર્મુખ દૂત-વચન સુણીને, કોપ ચડ્યો તત્કાળ, મન શું સંગ્રામ માંડિયો રે, જીવ પડ્યો જંજાળ...”
“એ નાલાયક મંત્રીઓ સમજે છે શું એમના મનમાં ? હમણાં ને હમણાં તે બધાયને મારી નાંખ્યું. આમ વિચારતાં પ્રસન્નચન્દ્ર મનમાં ને મનમાં જ મંત્રીઓ, સાથે યુદ્ધ ખેલી રહ્યા હતા. પરંતુ યુદ્ધ (માનસિક) કરતાં કરતાં શસ્ત્રો ખૂટી ગયાં. આથી હવે છેલ્લે માથા ઉપર રહેલા રાજમુગટ શત્રુઓને મારવા માટે તેમણે મસ્તક ઉપર હાથ મૂક્યો...
“બરાબર આ સમયે જ (શ્રેણિક) પ્રશ્ન પૂછ્યો કે, “ભગવન્! તે મુનિ હમણાં મૃત્યુ પામે તો કઇ ગતિમાં જાય.' તે સમયે તો માનસિક તીવસંકલેશવાળી તેમની ચિત્તસ્થિતિ હતી. તેથી મેં કહ્યું સાતમી નરકમાં...”
પ્રભુ ક્ષણભર થોભ્યા. આગળની હકીકત જાણવા અતિ આતુર શ્રેણિકે પૂછ્યું “ભગવદ્ ! થોડી જ ક્ષણો બાદ આપે કહ્યું હવે મરે તો સર્વાર્થસિદ્ધ વિમાનમાં જાય...! એનું રહસ્ય શું ?”