________________
આજકાલ ઘણા માણસો એમ માનતા અને બોલતા હોય છે કે અમે કમાઇએ છીએ અને અમે ખર્ચીએ છીએ, એમાં બીજાને શું ?
આવાં વાક્યો બોલનારને છે પૈસાનો ઘમંડ. પૈસાનો પારો જ્યારે માનવમગજનો ભરડો લે છે ત્યારથી જ ભૂલની ભૂગોળ દોરાવાની શરુઆત થઇ જાય છે. જીવનના પાછલા બારણેથી પાયમાલી પ્રવેશ કરી જાય છે...પણ દુર્ભાગી માણસો એના પ્રવેશને પામી પણ શકતા હોતા નથી. ગૃહસ્થ કેટલો વ્યય કરવો ?
ગૃહસ્થ અવસ્થામાં રહેલા સંસારી માણસને ધનનો વ્યય તો કરવો જ પડે. પરંતુ તે વ્યય કેવી રીતે કરવો ? કેવા પ્રકારનો વ્યય યોગ્ય કહેવાય તે અંગે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ જણાવે છે કે :
___ व्ययमायोचितं कुर्वन् वेषं वित्तानुसारतः ।
ગૃહસ્થે પોતાની આવક અનુસાર વ્યય કરવો ઘટે અને વેશ પણ ધનસંપત્તિ અનુસાર પહેરવો ઘટે.”
વ્યય કોનું નામ ? પોતાના આશ્રિતોનું, સ્વજનોનું અને નોકર-ચાકર વગેરેનું ભરણ-પોષણ કરવું, પોતાના માટે વસ્તુઓનો ઉપભોગ કરવો, દેવ-પૂજા અને અતિથિ-સત્કાર વગેરે માટે દ્રવ્ય વાપરવું, પોતાની જરૂરિયાતોને પૂરી કરવા ધન ખર્ચવું. આનું નામ વ્યય અને આવો વ્યય પોતાને નોકરી-વ્યાપાર વગેરે દ્વારા પ્રાપ્ત થતા ધનમાંથી ઉચિત રીતે કરવો તેનું નામ ઉચિત-વ્યય. પૈસો સાધ્ય નથી, સાધન છે :
વર્તમાનકાળે માનવ-જીવનમાં પૈસો અગિયારમો પ્રાપ્ય બની ગયો છે. એક વાત ચોક્કસ છે કે પૈસો એ જીવન જીવવા માટે અનિવાર્ય છે, પરંતુ આ વાત સતત ધ્યાનમાં રહે કે પૈસો એ સાધન છે, સાધ્ય નથી. પૈસો એ જીવન-વ્યવહારનું માધ્યમ છે. ધ્યેય નથી. જીવનની એ મંઝિલ નથી.
પૈસામાં જ જીવવું અને પૈસા માટે જ જીવવું” એ સાચા સજ્જનનું લક્ષણ નથી. કારણ કે જો જીવન પૈસા ખાતર જ જીવવાનું શરુ થશે તો તે પૈસાને મેળવવા કાજે અઢળક પાપો કરતાં પણ મન નહિ અચકાય.
૧૯૪