________________
જેમ ઘરને ઘણા દ૨વાજા ન હોવા જોઇએ તેમ માત્ર એક જ દરવાજો પણ ન હોવો જોઇએ. કેમકે જો એક જ દ૨વાજો હોય તો આગ વગેરે લાગે...તો તેમાંથી નીકળી જઇને બચી જવાનું પણ મુશ્કેલ બની જાય.
(૨) અશુદ્ધ સ્થાનમાં ઘર ન જોઇએ :
ઘર યોગ્ય સ્થાનમાં વસાવવું જોઇએ. જે ભૂમિમાં હાડકાં વગેરે દટાયેલાં હોય...ત્યાં ઘર ન બંધાવાય કેમકે તેવી અશુદ્ધ ભૂમિમાં રહેવાથી સુખ અને શાંતિ
પ્રાપ્ત ન થાય.
વળી...જ્યાં ઘાસ, છોડવા અને બીજી પ્રશસ્ત વનસ્પતિઓ ઊગતી હોય તથા જ્યાંની માટી સુગંધી અથવા સારી હોય ત્યાં ઘર બંધાવાય.
વળી...જ્યાં સ્વાદિષ્ટ પાણી નીકળતું હોય, જ્યાં નિધાન વગેરે હોવાની શક્યતા હોય અથવા પૂર્વે ક્યારેક નિધાનાદિ નીકળ્યા હોય તેવાં સ્થાન શુભ ગણ્યાં છે. આવા સ્થાનમાં ઘર વસાવવું જોઇએ.
(૩) ઘર અતિ પ્રગટ કે અતિ ગુપ્ત ન જોઇએ :
અતિ પ્રગટ સ્થાનમાં ઘર ન હોવું જોઇએ.
અતિ પ્રગટનો અર્થ એ છે કે જેની આસપાસમાં બીજાં ઘરો ન હોય તેવું જો તેવું ઘર હોય તો ચોર વગેરેનો ભય ઊભો થાય ત્યારે બચાવવાવાળું કોઇ ન મળે. કોઇ સહાય કરનાર પણ ન મળે.
અતિ ગુપ્ત સ્થાનમાં પણ ઘર ન હોવું જોઇએ, અર્થાત્ એકદમ ગીચોગીચ વસતિમાં પણ ઘર ન જોઇએ કેમકે તેવા ઘરની શોભા ન દેખાય તથા આગ વગેરે લાગી જાય તો બહાર નીકળતાં પણ ઘણી મુશ્કેલી થાય.
(૪) સારા પડોસવાળું ઘર જોઇએ :
જ્યાં સારા પડોસી રહેતા હોય તેવા સ્થાનમાં ઘર વસાવવું તે સૌથી મહત્ત્વની વાત છે.
જો તમારા ઘરની બાજુમાં રહેતા પડોસી સારા વર્તનવાળા, સારા સ્વભાવવાળા અને ધર્મ પ્રત્યેની રુચિ ધરાવનારા ન હોય તો તમારા જીવનમાં અને તમારાં સંતાનોનાં જીવનમાં પણ વિપરીત સંસ્કારો આવવાની ખૂબ શક્યતાઓ વધી જાય છે.
૧૧૯