________________
કારણ કે હાથીની કાયા એટલી કદાવર છે કે સહરાના રેતીના રણમાં તેના પગ ફસાઈ જાય...ખૂંપી જાય...આથી રણ પસાર કરવાનું અને પ્રવાસીને સહી–સલામત રણ પાર કરાવી દેવાનું કામ હાથીનું નહિ.
એ કામ તો ઊંટનું જ. ઊંટના અંગ અઢારેય વાંકાં હોય છે...પણ ભલે...તેનો આપણને વાંધો નથી. જેના અઢારેય અંગ વાંકાં કહેવાય છે એવું ઊંટ સહરાના રણમાં સડસડાટ ચાલ્યું જાય છે અને પ્રવાસીને ક્ષેમકુશળ રણ પાર કરાવી દે છે.
બોલો જોઉં ! સહરાના રણને પાર કરવા માટે કોની કિંમત અંકાય ? સુંદર, કદાવર હાથીભાઇની કે જેના અઢારેય અંગ વાંકાં છે તેવા ઊંટભાઇની ? જવાબ છે...ઊંટભાઇની જ કિંમત વધુ.
દેવોનો દેહ હાથી જેવો સુન્દર જરુર છે. દેદીપ્યમાન, કાંતિમાન અને રોગરહિત પણ છે. પરંતુ સંસાર રૂપી સહરાનું રણ પસાર કરવા માટે તો માનવનો દેહ જ કામ લાગે.
ભલે...આ માનવ-દેહ મળ-મૂત્રથી ભરપૂર હોય...ગંદકીનો ગાડવો હોય...અનેક રોગોથી વ્યાપ્ત હોય...જેના રુપ અને સૌન્દર્યનાં કોઇ ઠેકાણાં ન હોય...આમ છતાં આવા માનવ-દેહ દ્વારા જ ધર્મની સાધના સાધી શકાય છે અને એ સાધનાના બળ વડે સંસાર રૂપી સહરાનું રણ પાર કરી શકાય છે. શરીર એ ધર્મની સાધનાનું પહેલું સાધન :
આથી જ કહ્યું છે ને... શરીરમાદ્ય વસ્તુ ઘર્મસાધનમ્ .” બીજાં અનેક સાધનો ધર્મની સાધના કરવામાં ઉપયોગી છે. પરંતુ શરીર એ તો સૌથી પહેલું ધર્મસાધન છે. જેનું શરીર સ્વસ્થ નથી...જેને છ ડીગ્રી તાવ આવે છે. ભયંકર માથું દુ:ખે છે. કેન્સર...ટી.બી. કે પ્રોસ્ટેટ ગ્લેન્ડ વગેરેની બીમારીઓથી જે ગ્રસ્ત છે...તે ધર્મસાધના શી રીતે કરી શકશે ?
ધર્મની આરાધના કરવા માટે શરીર રુપી સાધન તો સહુ પ્રથમ સ્વસ્થ હોવું જ જોઇએ ને ?
શરીરને સ્વસ્થ રાખવા માટે, આરોગ્યથી યુક્ત રાખવા માટે માર્ગાનુસારિતાના સોળમા અને સત્તરમાં ગુણનું વિવેચન ખૂબ જ ઉપયોગી છે.
૨૬૨