________________
રાવણે કહ્યું “સાંભળ તો ખરો ! મેં વિદ્યાનો જાપ કર્યો અને હું આબેહૂબ રામ બન્યો પણ ખરો. પરંતુ જ્યારે હું આબેહૂબ રામ બન્યો છું કે નહિ તે જોવા માટે હું જ્યાં આયનાની સામે ગયો અને આયનામાં જ્યાં મેં “રામનું દર્શન કર્યું ત્યાં મારા મનનો કામ શમી ગયો. સીતા પ્રત્યેની મારી પરસ્ત્રી-વાસના જ વિલીન થઇ ગઇ. હવે તું જ કહે હું શી રીતે સીતા પાસે જવા માટે પગ ઉપાડું ?''
રાવણના આ શબ્દો સાંભળતાં જ કુંભકર્ણનું હૃદય રામચન્દ્રજીને મનોમન ઝૂકી ગયું.
રામના વેષ-મંત્રના દર્શનથી કામનું ઉપશમન થઇ જાય એ વાત બાહ્ય વેષની આંતર-પરિણામ ઉપર કેટલી જોરદાર અસર હોઇ શકે છે તે જણાવવા માટે અતિ ઉપયોગી છે. મર્યાદાયુક્ત વસ્ત્રપરિધાન અતિ સફળ :
આ બધા પ્રસંગો એ વાતને જડબેસલાક સિદ્ધ કરે છે કે જેણે કામવાસનાના સંબંધમાં સુનિયત્રિત જીવન જીવવું હોય...જેણે સદાચારી અને મર્યાદાશીલ સગૃહસ્થ તરીકે પણ જીવવું હોય તેણે વસ્ત્રપરિધાનના વિષયમાં ખૂબ જ મર્યાદાયુક્ત રહેવું જોઇએ. મર્યાદાયુક્ત, સાંસ્કૃતિક-નિયમોને આધીન રહીને કરાતું વસ્ત્ર-પરિધાન જાતના સંયમનું તો સફળ કારણ છે જ. પરંતુ બીજાઓને માટે પણ આંતરવિકૃતિનું કારણ નહિ બનતું હોવાથી અતિ સફળ છે.
- મર્યાદાનું પાલન અગણિત લાભોને કરાવી આપનારું હોવાથી અતિ આવકારદાયક છે...એનાથી ઊલટું મર્યાદાને તોડી-ફોડીને સાફ કરી નાંખવામાં પાર વગરના નુકસાની વેઠવી પડે છે, જેથી મર્યાદાભંગ સંપૂર્ણ ત્યાજ્ય છે.
યુવાનોની લાંબા લાંબા વાળની ફેશન, યુવતીઓમાં પુરુષના જેવા પેન્ટશર્ટ વસ્ત્રનું પરિધાન તથા પુરુષની જેમ બફ-કટ વાળ કપાવવા, આ બધી સાંસ્કૃતિક મર્યાદાઓના ભંગરુપ છે. અને આવો મર્યાદા-ભંગ શિષ્ટ પુરુષોની અરુચિનું કારણ બને છે. પરિણામે જીવનને ધર્મથી વિમુખ કરનારો પણ છે. પ્રાચીન વેશપરિધાનમાં વેજ્ઞાનિક હેતુઓ :
આપણા આર્યદેશના પ્રાચીન પરંપરાના વેશ-પરિધાનમાં વૈજ્ઞાનિક-હેતુઓ જોવા મળતાં. જે આજના આધુનિક વસ્ત્ર-પરિધાનમાં પ્રાયઃ જોવામાં નથી આવતા.