________________
માર્ગાનુસારીના ગુણોમાં દસમો નંબર છે ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ.
ગમે તેવા સ્થાનમાં ન રહેવું. યોગ્ય-ઉચિત સ્થાનમાં જ ઘર વસાવવું. જો કે ‘ઉચિત-ઘર’ એ ગુણમાં જ આ અંગેની વિશેષ વિચારણા થઇ જ ગઇ છે છતાં ‘ઘર’ અને ‘સ્થાન’ ને જુદા પાડીને ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરવાનું શાસ્ત્રનું વિધાન તે અંગેની મહત્તાનો ખ્યાલ આપે છે.
કેવાં કેવાં ઉપદ્રવોવાળા સ્થાનનો ત્યાગ કરવો તે નીચે જણાવેલ છે. ૧) જ્યાં ભૂત-પ્રેત વગેરેનો વાસ હોય તેવા સ્થાનમાં ન રહેવું.
૨) વાઘ-વરુ કે સર્પ-વીંછી વગેરેનો ભય રહેતો હોય તેવું સ્થાન છોડવું.
૩) જ્યાં ચોર-ડાકુ વગેરેનો વિશેષ ભય રહેતો હોય તે સ્થાન પણ અયોગ્ય કહેવાય.
૪) જ્યાં પોતાના અગર પરાયા રાજાઓ તરફથી ભય રહેતો હોય તે સ્થાન પણ છોડવું.
૫) મારી-મરકી તથા દુકાળ વગેરેનો ઉપદ્રવ હોય તેવું સ્થાન પણ છોડવું. ૬) જ્યાં હુલ્લડ તથા તોફાનો વગેરે વારંવાર થતાં હોય ત્યાં ન રહેવું. તેવું સ્થાન (દેશ) છોડી દેવું.
જેમ કે વર્તમાનકાળમાં પંજાબ જેવા દેશમાં વારંવાર અને સતત ખૂન-ખરાબા થઇ રહ્યા છે. ધોળે દિવસે હિન્દુઓની કતલો થઇ રહી છે. કોઇના જાનમાલની સલામતીનો પ્રબંધ નથી. આવા સ્થાનમાં ડાહ્યા માણસે કદી ન વસવું જોઇએ. વર્ષોથી ત્યાં જામી ગયેલાં માણસો માટે એકદમ સ્થળાંતર કરવું મુશ્કેલીભર્યું જણાય તો પણ તેણે એવા દેશનો ત્યાગ કરવા તરફ સતત લક્ષ રાખવું જોઇએ. આવા દેશમાં ધંધા-ધાપા વગેરેની દૃષ્ટિએ વર્ષોથી સારી જમાવટ થઇ ગઇ હોય તો કેટલાક માણસોને તે દેશ છોડવાનું મન ન થાય. પરંતુ એ ખ્યાલમાં રહે કે દુષ્ટ માણસો દ્વારા તમારી દુકાન કે પેઢી વગેરેનો ક્યારે ખાત્મો બોલાઇ જશે તેનો કોઇ ભરોસો નથી અને તેવા સમયે દુકાનપેઢી તો હાથમાંથી જશે પરંતુ તમારા મૂલ્યવાન પ્રાણ પણ ચાલ્યા જવાનો પ્રસંગ આવે. માટે આવાં સ્થાનોમાંથી તો ‘જીવતો નર ભદ્રા પામે' એમ વિચારી જલદી ઉચાળા ભરી જવા અને બીજા શાંત અને સ્વસ્થ દેશમાં વસવાટ કરવો
૧૭૨