________________
ની
માર્ગનુસારીના ગુણોમાં પંદરમા નંબરનો ગુણ છે: નિત્ય ધર્મશ્રવણ ધર્મનું શ્રવણ એટલે ધર્મશાસ્ત્રોનું શ્રવણ.
ધર્મશાસ્ત્રોનું શ્રવણ એટલે ધર્મશાસ્ત્રોએ વર્ણવેલા, જણાવેલા સિદ્ધાંતોનું, તત્ત્વોનું શ્રવણ...
જેણે ખરેખરું ધર્મશ્રવણ કરવું હોય તેણે સાચા સંતોની પાસે-કે જેમણે ધર્મશાસ્ત્રોનાં રહસ્યો અને મર્મો પીને પચાવી લીધાં છે-તે જ શ્રવણ કરવું જોઇએ. તો જ તેનો યથાર્થ લાભ પામી શકાય.
ધર્મશાસ્ત્ર કહેવાય કોને ? જેના દ્વારા જીવો કેવળ આત્માનું હિત જ પામે, મોક્ષના લક્ષપૂર્વક જ જીવનની સઘળી વૃત્તિ અને પ્રવૃત્તિઓ આચરવા માટે જેનો સદુપદેશ હોય...જીવને જે મોક્ષના રસિયા બનાવે, સંસારનાં સુખો પ્રત્યેથી વિરાગ કેળવાવે અને જીવનને સદ્ગણોની સુવાસથી સભર બનાવવાની સતત પ્રેરણા આપે તેનું નામ ધર્મશાસ્ત્ર.
આવા ધર્મશાસ્ત્રનું શ્રવણ સાચા ત્યાગી સંત-પુરુષો પાસે જ કરવું જોઇએ.
સાચા ત્યાગી સંત કહેવા કોને? જેનું જીવન અનેક સદ્ગણોનું નન્દનવન હોય...જેના હૈયામાં પ્રેમ, કરુણા અને જીવમૈત્રી છલકાતાં હોય...જે અહિંસાના આરાધક હોય. સત્યના પૂજારી હોય. અચૌર્ય-વ્રતના ધારક હોય. બ્રહ્મચર્યના અનુપમ સ્વામી હોય...અને અપરિગ્રહના ભેખધારી હોય...જેનું માત્ર અસ્તિત્વ જ જગતના જીવોને શાંતિ આપે, શાતા પમાડે અને સગુણી બનવા પ્રેરણા આપે...
આવા સંત તે સાચા સંત...અને આવા સંતના શ્રીમુખેથી વહેતી શાસ્ત્રને અનુસરનારી અને શાસ્ત્રોના મર્મને સમજાવનારી વાણી તે જ ધર્મવાણી અને આવી ધર્મવાણીનું શ્રવણ એ જ સાચું ધર્મ-શ્રવણ.
આવા ધર્મશ્રવણના લાભ અપરંપાર છે. સામાન્ય રીતે જે કોઇ મહાન પુરુષો પેદા થયા છે, જે કોઇ પાપાત્માઓ ધર્માત્મા બન્યા છે...જે કોઈ ધર્મત્માઓ મહાત્મા બન્યા છે...જે કોઇ અધર્મીઓ અને નાસ્તિકો, પરમ ધાર્મિક અને આસ્તિક બન્યા છે તે તમામના અન્તર્ગત-જીવનમાં જઇને તમે તપાસ કરશો તો તમને જાણવા મળશે કે કોઇ ને કોઇ સંતપુરુષના મુખેથી ધર્મ-વાણી સાંભળવાના કારણે જ તેમનામાં આ પરિવર્તન આવ્યું છે, તેમ તમને જાણવા મળશે.