________________
કારણ કે એક વાત બરાબર હૃદયમાં દૃઢ કરી લેવી જોઇએ કે લગ્નજીવન એ ભોગ માટે નથી પણ યોગની સાધના માટે છે.
કામવાસનાના બેફામ ભોગ માટે લગ્ન નથી, પરંતુ જીવનમાં બ્રહ્મચર્યરુપી યોગની જેમ બને તેમ વધુ ને વધુ સાધના થાય અને એમાં ક્યારેક તીવ્ર મોહના ઉદયે વાસના જાગે તો તેના શમન માટે કામોપભોગ હોય. તેય ખૂબ મર્યાદિત અને સદાચારને સાચવીને.
હવે જ્યારે લગ્નજીવન મુખ્યત્વે બ્રહ્મચર્ય આદિ ધર્મની સાધના માટે જ છે ત્યારે મળેલું જીવનસાથીરુપ નિમિત્ત પણ ઉત્તમ હોય...ધાર્મિક હોય તો જ તે સાધનામાં સફળતા મળે ને ? જીવનસાથી જો અત્યંત કામી હોય, ક્રોધી હોય, સંસારવાસનાની તીવ્રતા ધરાવનાર હોય તો તમે શી રીતે બ્રહ્મચર્યાદિ ધર્મોની આરાધના કરી શકવાના છો ?
ઊંચા ખાનદાનની અને ધર્મનિષ્ઠા ધરાવનાર વ્યક્તિ જીવનસાથી તરીકે મળેલી હોય તો ક્યારેક સંયમાદિ શુભ માર્ગે જતાં પણ સહાયક બને, અવરોધક નહીં. વજ્રબાહુ અને મનોરમાની અદભુત કથા :
યાદ આવે છે અહીં રામચંદ્રજીના પૂર્વજ મહાત્મા વજ્રબાહુની વાત. વજ્રબાહુ યુવાન થતાં તેમનાં માતા-પિતાએ ઇભવાહન નામના રાજાની મનોરમા નામની કન્યા સાથે તેના લગ્ન કર્યાં.
સાસરિયામાં સારી રીતે મહેમાનગતિ માણીને વજ્રબાહુ પોતાના ઘરે જવા નીકળ્યા. વજ્રબાહુ, મનોરમા અને સાથે વજ્રબાહુનો સાળો ઉદયસુંદર, ત્રણે એક સુંદ૨ રથમાં બેસીને નીકળ્યા.
દડમજલ કરતો રથ પસાર થઇ રહ્યો હતો. પ્રાત ઃકાળનો એ સમય હતો. તે વખતે નાનકડી ટેકરી પાસેથી ૨થ પસાર થઇ રહ્યો હતો. એ ટેકરી ઉપર ગુણસાગર નામના એક મહાત્મા ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા હતા.
આતાપના લઇ રહેલા તે મુનિવરને જોતાં જ વજ્રબાહુનું અંતર તે મુનિવરના ચરણે મનોમન ઝૂકી ગયું. તેઓ બોલી ઊઠયાઃ “પુષ્કળ પુણ્યના ઉદયથી આ મુનિવરના મને દર્શન થયાં. સાક્ષાત્ ચિંતામણિ-રત્ન સમાન આ મુનિવર ખરેખર મહાત્મા છે. દર્શનીય અને વંદનીય છે.’’
૫૮