________________
આના કારણે ઘણા લાભો થતા. સામાન્ય રીતે દારુ, માંસ, જુગાર વગેરે પાપોથી લોકો બચી જતા કેમકે પડોસીઓની ટીકાનો ભય રહેતો. સમાજના ભયથી પણ માણસ પાપ કરતાં ડરે તે પણ ઉત્તમે જ છે.
ચાલી કે પોળમાં પડોસીઓ સારા મળતા અને તેથી સુખ-દુ:ખના પ્રસંગમાં સાથ આપતા. મરણાદિ પ્રસંગોએ સાંત્વના આપતા. હૂંફ અને સદભાવ આપતા. પડોસીઓ સારા હોય તો ધર્મના સંસ્કારો અને પ્રેરણા બાળકોને પ્રાપ્ત થતી. બાજુવાળો છોકરો સામાયિક કરવા જાય તેથી બીજો છોકરો પણ સામાયિક કરવા જાય. આમ દેખાદેખીથી પણ ધર્મના સંસ્કારો મળતા. સ્ત્રીઓના શીલાદિની સુરક્ષા થતી. કોણ આવે છે ? કોણ જાય છે ? તેનો પડોસીઓને પણ ખ્યાલ રહેતો. તેનાથી સ્વાભાવિક રીતે જ સદાચાર જળવાઈ જતો. - સાધુ ભગવંતો પણ વહોરવા આવતા તેથી સુપાત્રદાનનો લાભ મળતો. સોસાયટી અને બ્લોકોનો નિવાસ નુકસાનકારીઃ
આજનો ઘણો ખરો શ્રીમંત વર્ગ પૈસા વધી જવાના કારણે સોસાયટીઓમાં અથવા ફ્લેટોમાં ચાલ્યો ગયો. પ્રોપર શહેરથી દૂર...આથી સાધુ ભગવંતો દૂર દૂર સુધી વહોરવા આવી ના શકે. કદાચ આવે તોય બંગલાની બહાર “કૂતરાથી સાવધ રહો” નું બોર્ડ વાંચીને પાછા જાય. બ્લોક હોય તો બ્લોકનાં બારણાં પ્રાયઃ બંધ જ રહેતાં હોય. સાધુ ભગવંત આવ્યાની જલદી ખબર જ ના પડે.
બારણાં બંધ રહેતાં જ હોય તો બાજુવાળા પડોસીઓનો સંપર્ક પણ પ્રાયઃ ન રહે. અરે ! એવા પણ લોકો મુંબઇમાં વસે છે કે જેમને પોતાની જ નીચે કોણ રહે છે તે વર્ષોથી રહેવા છતાં ખબર જ નથી...આવી સ્થિતિમાં સુખ-દુ:ખમાં સાથ કે સમાધિની પડોસી તરફથી અપેક્ષા જ કેમ રખાય ? બારણું ખખડાવીને, અચાનક ફ્લેટમાં ઘૂસી જઇને, સ્ત્રીનું ગળું દાબી દઇને, ચોરી કે લૂંટ ચલાવીને ધોળે દિવસે ભાગી જવાના કિસ્સાઓ મુંબઈ જેવા મોટા શહેરોમાં વારંવાર બનતા સંભળાય છે.
આવી સ્થિતિમાં કોઇ ખૂન કરી જાય કે સ્ત્રીનું અણમોલ ધન શીલ-લૂંટી જાય તોય શી ખબર પડે ?
માટે જ વધુ પડતા એકાંતમાં કે ગુપ્ત સ્થાનમાં ઘર ન રાખવાની જ્ઞાની પુરુષોની હિતશિક્ષા અત્યંત યોગ્ય જ છે. તેનો અમલ કરવો ખૂબ હિતકારી છે.