________________
સરસ ઉત્થાન થાય તેવી ધર્મવાણી સાંભળવી. પરગુણની પ્રશંસા અને આત્મગુણોની નિન્દાને પ્રસન્નચિત્તે સાંભળવી. ટૂંકમાં જેના દ્વારા આત્મા સદ્ગુણી બને, હિતને પામે અને ઉત્થાનને વરે તેવી વાતો સાંભળવી...
શાસ્ત્રકારો કહે છે : જે જીવો કાનનો દુરુપયોગ કરે છે તેને નવા જન્મોમાં, જ્યાં કાન મળતાં જ નથી તેવા ચઉરિન્દ્રિય વગેરેમાં જ ઉત્પન્ન થવું પડે છે.
કાનનો સદુપયોગ ન કરવો તે પણ એક પ્રકારનો દુરુપયોગ છે. જેમ કાનનો, વિકારી ગીત-શ્રવણ કે પરનિંદાશ્રવણ રુપ દુરુપયોગ ન કરવો તેમ પ્રભુ તથા ગુરુના ગુણગીતોનું શ્રવણ, ધર્મશ્રવણ, પરગુણપ્રશંસાનું શ્રવણ...વગેરે રૂપ સદુપયોગ પણ કરવો ઘટે. આ પ્રકારનો સદુપયોગ ન કરનારને પણ જન્માંતરમાં પંચેન્દ્રિયપણાની અપ્રાપ્તિની સજા થાય છે.
ટૂંકમાં...જેના દ્વારા આપણા આત્માની રાગ-દ્વેષ-રૂપ પરિણતિ વૃદ્ધિગત બને તેવું શ્રવણ તે કાનનો દુરુપયોગ. અને જેના દ્વારા આપણા આત્માની રાગાદિની પરિણતિ મંદ બને...કષાયો પાતળા પડે...ભવની ભીતિ અને પ્રભુ પ્રત્યેની પ્રીતિ જાગૃત બને તેવું શ્રવણ તે કાનનો સદુપયોગ.
ધર્મવાણીનું શ્રવણ એ કર્ણનો શ્રેષ્ઠ સદુપયોગ છે. કારણ કે ધર્મનું શ્રવણ એ સદ્ગણોને પામવાનો અમોઘ ઉપાય છે.
ધર્મ શ્રવણના લાભ ખરેખર અદભુત છે. ધર્મવાણી સાંભળવાથી આત્મા, પરમાત્મા અને પરમપદનાં રહસ્યો પમાય છે...પાપ પ્રત્યે ભીતિ અને જીવ-માત્ર પ્રત્યે મૈત્રી જાગૃત બને છે...આપણે કોણ ? ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના ? વગેરે તત્ત્વ સાંભળવા મળે છે. ચૌદ રાજલોકનું સ્વરુપ, જીવનું સ્વરુપ અને પંચાસ્તિકાય દ્રવ્યોનું સ્વરૂપ જાણવા મળે છે. હેય (છોડવા યોગ્ય), શેય (જાણવા યોગ્ય) અને ઉપાદેય (આદરવા યોગ્ય)નો વિવેક જાગૃત થાય છે.
દુ:ખના કાળમાંય દીન ન થવાની અને સુખના કાળમાં ઉન્મત્ત બની ન જવાની ચિત્તસ્થિતિ ધર્મશ્રવણથી જ પ્રાપ્ત થાય છે. દુઃખ જૂનાં કર્મોનો નાશ કરવા આવે છે. અને સુખ વર્તમાન પુણ્યને ખાઈ જવા આવે છે આવું તત્ત્વજ્ઞાન સમજાવીને દુ:ખમાં સમાધિ દ્વારા કર્મક્ષય (પાપક્ષય) કરવાનું અને સુખમાં ઔદાસીન્ય જાળવીને પુણ્યક્ષય કરવાનું બળ ધર્મશ્રવણ દ્વારા જ પ્રાપ્ત થાય છે.