________________
પ્રસંગો વારંવાર બને તે સુસંભવિત છે. આ સંભાવનાની સામે સુરક્ષા કોણ આપે ? શ્રવણ દ્વારા મનમાં ગ્રહણ કરેલી તત્ત્વવિચારણા જો ધારણા દ્વારા સુસ્થિર કરી હોય તો મનને અશુભમાંથી શુભ તરફ વાળવું સરળ બની જાય. પાપના પ્રસંગોએ આપણું જ મન તેના પ્રતિકાર માટે તત્પર બને અને એ રીતે મનમાં શુભભાવ સ્થિર બને.
તત્ત્વભૂત પદાર્થોનું શ્રવણ કરતાં ઉપયોગ ખૂબ રાખવો જરૂરી છે. મનના ઉપયોગપૂર્વક સાંભળેલાનું સારી રીતે ગ્રહણ થાય છે. અને જો સારી રીતે ગ્રહણ થાય તો ધારણા કરવામાં કોઈ તકલીફ પડતી નથી. આનાથી ઊલટું, જો મનના ઉપયોગ વગર, અથવા ચિત્તમાં અનેક જાતના વિચારો કરવા સાથે સાંભળવામાં આવે તો તેવા શ્રવણાથી ગ્રહણ સારી રીતે થતું નથી. અને જો ગ્રહણ જ ન થાય તો ધારણા તો શી રીતે થાય ? પદાર્થની અ-સ્મૃતિમાં કારણ ઃ આદરનો અભાવ
વર્ષોથી પ્રવચનો સાંભળનારા અનેક શ્રોતાઓને પ્રવચનના પદાર્થો યાદ નથી રહેતા એવું અનુભવાય છે. આના ઘણાં કારણો હોઇ શકે છે. સૌથી મુખ્ય કારણ તો જ્યારે પ્રવચન સાંભળવામાં આવતું હોય છે ત્યારે મનનો ઉપયોગ પદાર્થ-શ્રવણમાં ન હોવો અગર અન્યત્ર હોવો તે છે. વળી, જે સંતવાણી સાંભળવામાં આવે છે તે સંતવચનો પ્રત્યે અંતરનો ઊંડો આદરભાવ ન હોવો તે પણ એક કારણ છે.
જે વસ્તુ કે બાબત પ્રત્યે આપણા અંતરમાં ઊંડો આદરભાવ, લાગણી કે પ્રેમ હોય છે તે વસ્તુ કે બાબત પ્રત્યે આપણી સ્મરણશક્તિ કેટલી સતેજ હોય છે તે અનુભવની વાત છે.
વેપારીને કોને કેટલો માલ આપ્યો અને કોની પાસેથી કેટલી ઉઘરાણી લેવાની બાકી છે તે કેવું યાદ હોય છે ? કરિયાણાના વેપારીને દુકાનમાં પડેલી બસો ચીજના ભાવ-તાલ કેવા મોઢે હોય છે ? આનું કારણ શું ? કારણ એક જ કે ધન પ્રત્યે વેપારીને જબરો રાગભાવ છે. અને તે રાગના કારણે, ધનની પ્રાપ્તિ માટે ભાવ-તાલની માહિતી રાખવી અનિવાર્ય છે તે પણ તે જાણે છે તેથી જ આવી બાબતમાં તેની યાદશક્તિ બરાબર સતેજ રહે છે.
૨૩૧
: