________________
ગુણ ૩૦ : વિશેષજ્ઞતા. સાર-અસાર, ગ્રાહ્ય-અગ્રાહ્ય, ત્યાજ્ય-અત્યાજ્ય, કિંમતી-અલ્પમુલ્ય વગેરે ખ્યાલમાં રાખી પ્રવૃત્તિ કરે તે વિશેષજ્ઞતા. સામાન્યથી અર્થ એવો થાય કે કોઇપણ પ્રવૃત્તિમાં વિવેક વાપરવો. વિવેક રાખવો અને વિશેષ પ્રકારે જાણકારી મેળવવી. વિવેક પ્રધાન દ્રષ્ટિ ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાંય પ્રસન્નતા આપે છે. આહારમાં પણ વિવેક, વ્યાપારમાં પણ વિવેક, ચિત્રોની પસંદગીમાં પણ વિવેક, વાંચન સામગ્રીમાં વિવેક...અત્ર-તત્ર-સર્વત્ર વિવેકની હાજરીની આવશ્યકતા છે. વિવેક વિનાની સત્તા સામગ્રી ભયંકર હોનારતો સર્જાવી દે છે. શાસ્ત્રકારોએ વિવેકને હંસની ઉપમા આપી છે. હંસ જેમ પોતાની ચાંચથી ક્ષીર-નીરને અલગ કરી શકે તેમ વિવેકવાન સાર-અસારનો ભેદ કરી શકે. સઘળાય દુ:ખોનું અને સઘળાય પાપોનું મૂળ અવિવેક છે. તો સઘળાય સુખોનું અને સઘળાય ધર્મોનું મૂળ વિવેક છે. ચિત્તની સમાધિ, જીવનનું સુખ, સદ્ગતિ તમામ વિવેકથી બંધાયેલા છે. વિશેષજ્ઞતાની હાજરી વાલો આત્મા તાત્કાલિક લાભને નજરમાં ન રાખતાં દૂરગામી પરિણામને નજરમાં રાખે છે. વિવેકવાન નવું નવું સમજવાની ઇચ્છા રાખે છે અને એટલે જ સુકૃતોમાં ધર્માનુષ્ઠાનોમાં આગળ વધે છે. વિશેષજ્ઞ અનાગ્રહી હોવો જરૂરી છે. હું કહું છું એજ સાચું છે આવા આગ્રહ છોડ્યા સિવાય વિશેષ જાણકારી મેળવવી મુશ્કેલ છે. આગ્રહો અને પૂર્વાગ્રહોથી ઘેરાયેલું ચિત્ત સાચા સન્માર્ગને સાધવા દેતું નથી. અનાગ્રહી તત્વની સાચી સમજણ મેળવી સ્વજીવનને તો સુરક્ષિત રાખે છે પરંતુ આશ્રિતોના જીવનને પણ સુરક્ષિત બનાવે છે. હેયમાંથી નિવૃત્તિ કરાવવાનું અને ઉપાદેયમાં પ્રવૃત્તિ કરાવવાનું કામ કરાવે છે. આકાશ જેવું સ્વચ્છ...નદી જેવા નિર્મળ...અને સાગર જેવા ગંભીર જીવનને પામવા વિવેકના દીવડાને પ્રગટાવવોજ પડશે. સ્વસ્થ અને સ્વચ્છ જીવનનું સ્વામિપણું આ ગુણ દ્વારા જ મેળવી શકાશે....અનાદિના અવળા ચાલે ચાલેલા આ “મનજીભાઇને સમજાવી દઇએ તો બેડો પાર છે.
હo