________________
અષ્ટક પ્રકરણ.
૧-મહાદેવ અષ્ટક
તે આ પ્રમાણે સર્વજ્ઞના જ્ઞાનથી જાણી શકાય તેવા પદાર્થોના જ્ઞાનથી રહિત પુરુષોથી પણ અનુમાન વડે સર્વજ્ઞ જાણી શકાય છે, અચતુર્વેદીથી ચતુર્વેદી જાણી શકાય છે તેમ, અર્થાત્ જે ચાર વેદોનો જાણકાર નથી તે ચાર વેદોના જાણકારને જાણી શકે છે તેમ.
જે શાશ્વત સુખના સ્વામી છે– અહીં “જે’ શબ્દનો ઉલ્લેખ અવસ્થાવિશેષને બતાવનાર છે. અહીં અભિપ્રાય આ છે- રાગાદિના ક્ષયથી પ્રગટ થયેલા વીતરાગતા અને સર્વજ્ઞતા ભવસ્થ કેવલ્ય અવસ્થામાં મહત્ત્વનું કારણ છે. શાશ્વત સુખના સ્વામી વગેરે ત્રણ વિશેષણો ભવાતીત અવસ્થામાં મહત્ત્વનું કારણ છે.
જે નિત્ય રહે તે શાશ્વત. શાશ્વત જે સુખ તે શાશ્વત સુખ. આ શાશ્વત સુખ નિર્વાણથી ઉત્પન્ન થયેલ આનંદરૂપ છે. બીજાઓને (=નિર્વાણ નહિ પામેલાઓને, અર્થાત્ સિદ્ધ સિવાય બીજાઓને) શાશ્વત સુખ ઘટી શકતું નથી. મહાદેવ સ્વયં શાશ્વત સુખને પામેલા હોવાથી શાશ્વતસુખના સ્વામી છે.
પ્રશ્ન- સઘળી ય વસ્તુઓ ક્ષણિક હોવાથી સુખ શાશ્વત કેવી રીતે હોય ?
ઉત્તર– વસ્તુ સર્વથા (=એકાંતે) ક્ષણિક નથી. કારણ કે દરેક વસ્તુ ઉત્પાદ-વિનાશ-ધ્રૌવ્ય સ્વરૂપ છે. અહીં ઘણું કહેવા યોગ્ય છે. તે પંદરમાં અષ્ટકમાંથી જાણી લેવું.
તેવા પ્રકારના સુખનો (શાશ્વત સંપૂર્ણ સુખનો) અસંભવ જ છે એમ ન કહેવું. કારણ કે સુખાવરણની થોડી હાનિ થતી જોવામાં આવતી હોવાથી તેની સંપૂર્ણ પણ હાનિ સંભવે છે. આ પ્રમાણે પૂર્વે ઘણું કહ્યું છે.
બુદ્ધના મહત્ત્વનો નિષેધ શાશ્વત સુખના સ્વામી એ વિશેષણથી વસ્તુ દરેક ક્ષણે ક્ષયથી યુક્ત છે, અર્થાત્ દરેક વસ્તુ પ્રતિક્ષણ વિનાશ પામે છે, એમ કહેનાર પરિકલ્પિત દેવના મહત્ત્વનું ખંડન કર્યું. કારણ કે તેના મતે આવા પ્રકારનું સુખ વગેરે નથી. આવા પ્રકારના સુખ વગેરેના અભાવમાં દેવનું મહત્ત્વ કલ્પના માત્ર છે.
અવતાર લેનાર દેવના મહત્ત્વનો નિષેધ ક્લિષ્ટ કર્મ કળાઓથી (=કર્મ ભેદોથી) રહિત છે – ક્લિષ્ટ એટલે ક્લેશ (=પીડા) આપનાર. જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારની કર્મ કલાઓઃકર્મભેદો દુઃખ આપનાર છે. કારણ કે તે કર્મભેદો દુઃખ સ્વરૂપ ભવનું કારણ છે. મહાદેવ આવી ક્લિષ્ટ કર્મકળાઓથી રહિત છે.
ધર્મતીર્થના કર્તા શાનીઓ મોક્ષમાં જઇને જો પોતાના તીર્થનો તિરસ્કાર ( પરાભવ) થતો હોય તો (તેને અટકાવવા) ફરી પણ સંસારમાં આવે છે.” (સાદ્વાદ મંજરી શ્લોક-૧) આમ કેટલાકો માને છે. આવું માનનારાઓના દેવના મહત્ત્વનું “ક્લિષ્ટ કર્મકળાઓથી રહિત છે” એવા વિશેષણથી ખંડન કર્યું. કારણ કે ક્લિષ્ટ કર્મકળાઓના અભાવમાં સંસારમાં અવતારનો અસંભવ છે. કહ્યું છે કે-“અજ્ઞાન રૂ૫ ધૂળથી ઢાંકેલું, પ્રાચીન, અવિનાશી અને તૃષ્ણારૂપ જલથી સિંચાયેલું કર્મરૂપ બીજ જન્મરૂ૫ અંકુરને મૂકે છે=ઉત્પન્ન કરે છે.”
અશુભ સ્વરૂપ ભવમાં અવતાર લેનારાઓ અને પોતાના તીર્થના તિરસ્કાર સહન ન કરનારાઓનું પ્રાકૃત (=સાધારણ) પુરુષની જેમ મહત્ત્વ કેવું હોય ?
શરીરના કારણે મહાદેવના મહત્ત્વનો નિષેધ સર્વ પ્રકારે નિષ્ઠલ છે– શરીરના સર્વ અંગોથી રહિત છે. તેના અભાવમાં જ સુખનો સંભવ છે. કહ્યું