________________ એક વાર વચનમાંથી ગુસ્સો જશે. પછી ધીમે-ધીમે મનમાંથી પણ ગુસ્સો રવાના થશે. અને કષાયથી છુટકારો મળે એટલે જીવતા જ મોક્ષના સુખની અનુભૂતિ થશે. એટલે જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે - कषायमुक्तिः किल मुक्तिरेव / એક વાતનો જવાબ આપો - દુકાન, ઘર વગેરે મારક સ્થાનોમાં તો તમે ગુસ્સો કરો જ છો. તમારા સદ્ગણની લૂંટ મારક સ્થાનોમાં તો છડેચોક થાય જ છે. પણ, દેરાસર-ઉપાશ્રય વગેરે તારક સ્થાનોમાં આવ્યા પછી તો ગુસ્સો ન જ હોય ને ? દેરાસર-ઉપાશ્રયમાં તો ગુસ્સો ન જ કરો ને ? સંવત્સરીના દિવસે મોકાના સ્થાને, હવા-ઉજાસ અને ટેકાવાળી જગ્યાએ તમે તમારું કટાસણું પાથરી દીધું, બારસા સૂત્રના શ્રવણ પછી કટાસણું પાથરી તમે ઘરે ગયા ત્યારે કોઈક તે કટાસણું ખસેડી દીધું. જ્યારે તમે પ્રતિક્રમણ કરવા આવ્યા ત્યારે ત્યાં બીજા જ કોઈક ભાગ્યશાળીને બેઠેલા જોઈ મનમાં ગુસ્સો તો ન જ આવે ને ? જ્યાં તમારે સદ્ગણોની કમાણી કરવાની છે ત્યાં જ જો તમારા સદ્ગણોની લૂંટ થતી હોય તો ભવસાગર તરાશે શેના જોર ઉપર ? મારકસ્થાનમાં તમે લૂંટાઓ તેનાથી જેટલો ખેદ થાય તેના કરતા તો તારકસ્થાનમાં આવી તમે લૂંટાઓ ત્યારે અમને સવિશેષ ખેદ થાય છે. કોઈક નાનકડી વાતમાં પણ ધર્મસ્થાનોમાં બાથંબાથીમાં ચડી જનારા માટે તો શું કહ્યું? એ માણસનો મોક્ષ ક્યારે થાય ? હોટલમાં આડું-અવળું પેટમાં પધરાવીને માંદા પડનારને હોસ્પિટલમાં સાજો કરી શકાય. પણ હોસ્પિટલમાં ય માંદો પડનાર તો કેમ સાજો થાય ? દુકાન-ઘર વગેરેમાં જેની ક્ષમાનું ઠેકાણું ન પડતું હોય તેનું ઠેકાણું દેરાસર-ઉપાશ્રયમાં પડે. પણ જેનું દેરાસર-ઉપાશ્રયમાં પણ ઠેકાણું ન પડતું હોય તેનું ઠેકાણું તો ક્યાં જઈને પડવાનું ? તમારે અસાધ્ય બિમારીવાળા બનવું છે કે સાધ્ય બિમારીવાળા ? જિનશાસન વગેરે ઉત્તમોત્તમ સામગ્રી મળી પછી તમારા ક્રોધ રોગની 21