________________
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ 3 સ્તવના થતી હોવાનો આભાસ મળે છે. પછી તે સ્તુતિ શાબ્દિક હોય કે અશાબ્દિક હોય. આ પ્રભુની અપરંપાર કૃપાનો જ પ્રભાવ છે કે જેના પરિણામે દરેકમાં સ્પંદનો જાગતા જોવા મળે છે અને એ સ્પંદનો પ્રભુની સ્તવના-સ્તુતિ-સ્તોત્ર સ્વરૂપનાં હોય છે.
સાધકે ભક્તિભાવપૂર્વક કાલીઘેલી ભાષામાં કરેલી પ્રભુ-સ્તવના પણ બાળકની કાલીઘેલી ભાષામાં વાત કરવા જેટલી જ મધુર અને આહ્લાદક લાગે છે. સંકટમાં સપડાયેલો મનુષ્ય પ્રભુને ખૂબ જ ભાવપૂર્વક યાદ કરે છે, તેનું સ્મરણ-ચિંતન કરે છે. ચિંતન કરતાં કરતાં જ એક એવા મુકામ પર પહોંચી જાય છે કે જ્યારે તેના કંઠમાંથી પ્રભુના ગુણગાનના શબ્દો આપોઆપ પ્રવાહિત થઈ જાય છે. અને આ પ્રગટ થયેલાં શાબ્દિક વચનો સ્તોત્રનું સ્વરૂપ ધારણ કરે છે. સંકટ સમયે રચાયેલાં સ્તોત્રોનાં અનેક ઉદાહરણો આપણને મળી આવે છે. શ્રી બાણ ભટ્ટે રચેલ ‘ચંડીશતક' અને તેમના જ સમકાલીન મહાન આચાર્ય શ્રી માનતુંગસૂરિ વિરચિત ‘ભક્તામર સ્તોત્ર’ આનાં શ્રેષ્ઠતમ ઉદાહરણો છે.
સ્તોત્ર વિષે એટલું ચોક્કસ કહી શકાય કે આ જગતમાં ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જેના સાહિત્યમાં અલ્પાંશે પણ સ્તુતિ-સ્તોત્રને સ્થાન ન મળ્યું હોય. તેમાં પણ ખાસ કરીને ભારતની પવિત્ર ભૂમિ ઉપર ઊગેલાં ધર્મવૃક્ષોનું સ્તોત્રરૂપી સરિતામાંથી વહેતા ભક્તિરસથી સિંચન થયેલું વિશેષ રૂપમાં જણાય છે. ડૉ. રુદ્રદેવ ત્રિપાઠીના કથનાનુસાર, “ભારતીય વાડ્મયનું મૂળ ‘સ્તોત્રસાહિત્ય' ગણાય છે. સ્તોત્ર-સાહિત્યમાં જ સાહિત્યની અનન્ય ધારાઓ વ્યાપ્ત રહેલી છે, અને કલ્પના, કવિત્વ કે કળાતત્ત્વોના ઉમળકાભેર ઉચ્છલનનો જે અપરિમેય આનંદ સ્તોત્રમાં વિદ્યમાન છે તે અન્યત્ર દુર્લભ છે.”ર
આ ઉક્તિના આધારે પણ સિદ્ધ થાય છે કે સૃષ્ટિના આરંભથી જ સ્તોત્રનો ઉદ્ભવ થયો છે અને એમ માનવાને કારણ પણ છે. માનવજન્મમાં આવેલું પ્રાણી ડગલે ને પગલે અનેકવિધ સંકટોનો સામનો કરતું હોય છે. જ્યાં સુધી પોતાની શક્તિ અને બુદ્ધિ ચાલે છે ત્યાં સુધી કોઈ પણ પરમાત્માની મદદને ઇચ્છતું નથી. પરંતુ જ્યારે કોઈ પણ સ્થળેથી સહાય મળવાની શક્યતા ન દેખાય ત્યારે પોતાને સહાય કરવા માટે સહાયકને શોધે છે, તો ક્યારેક કંઈક વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. માનવીના અભાવોની ખાણ કોઈનાથી પુરાતી નથી અને જે કોઈ તેને આ સંસારમાં મળે છે તે અંધ-બધિર' જેવા હોય છે. આવી સ્થિતિમાં માનવી એક માત્ર દિવ્ય પરમ શક્તિના સ્વામી એવા ઇષ્ટદેવના શરણે જાય છે. શરણે ગયા પછી જુએ છે કે અહીંયાં તો મારા જેવા અનેકાનેક જીવો પોતપોતાની માગણી કરતા ઊભા છે. ત્યારે તે વિચારે છે કે, મારે શું કરવું ? કઈ રીતે કહેવું ? આમ વિચારતાં અનાયાસે નિશ્ચયપૂર્વક બોલે છે, જે સ્તુતિ કે સ્તોત્ર બની જાય છે એટલે કે અંતઃસ્થલમાંથી નીકળતા, ભક્તિભાવથી ભરપૂર કાવ્યમય વિચારો અથવા પરમાત્માના ચરણોમાં સમર્પિત થતાં પદો સ્તોત્રની સંજ્ઞા પામે છે. અર્થાત્ અંતઃસ્થલમાંથી નીકળતા શબ્દો જ સ્તુતિ-સ્તોત્રનું ઉદ્ગમસ્થાન છે, અને ભક્તિના સુભગ-સહજ ધ્વનિના રૂપમાં