________________
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ
વિશ્વનો સાહિત્યભંડાર વિવિધ સ્તોત્રરૂપી કાવ્યપુષ્પોથી ભરેલો છે. અનેક કુશળ કાવ્યકારોએ વિદ્વત્તા દ્વારા પોતપોતાની કાવ્યકુશળતા સહજ કુતૂહલતાપૂર્વક પ્રગટ કરી છે. સ્તોત્રના આવા અગાધ સમુદ્રને એક જૂથમાં સંકલિત કરવો એ કઠિન કામ છે. કારણ કે અનેક કવિગણોએ વિવિધતાઓથી ભરપૂર કાવ્યનાં શ્રદ્ધાસુમન પ્રભુના ચરણોમાં સમર્પિત કર્યા છે. ઘણા નિગ્રંથકારોએ પોતાની ભાવભક્તિપૂર્ણ રસધારા દ્વારા પોતાના આરાધ્યદેવના ચરણોને પ્રક્ષાલ્યા છે. પરમ કૃપાળુ પરમાત્માની કૃપાને જેઓ પામ્યા છે તેવા સાધકોએ પોતાના હૃદયની વીણાના તાર પર પ્રાર્થનાના સુમધુર ગીત ગાયાં છે. આ જગતના પ્રત્યેક ધર્મ કે સંપ્રદાયમાં ભગવાનની ભક્તિના ઉદ્દેશને માટે ભજન, શ્લોક, સ્તોત્ર, સ્તવન, પ્રાર્થના, મંત્ર, જાપ વગેરેનું મહત્ત્વનું સ્થાન રહ્યું છે. તે દરેકની અંદર પોતાના ઇષ્ટદેવનાં યશોગાન ગવાય છે. પછી એ ધર્મો ઈશ્વરવાદી હોય કે અનીશ્વરવાદી હોય, દરેક ધર્મમાં આરાધ્યનાં ગુણગાન મહત્તા, પ્રતિભા, અલૌકિકતા વગેરે જુદા જુદા કાવ્ય-સ્વરૂપે વ્યક્ત થતાં રહ્યાં છે. એના સ્મરણથી આરાધ્ય પ્રત્યે શ્રદ્ધાભક્તિમાં દઢતા વધતી રહે છે અને મોક્ષરૂપી લાખેણી લક્ષ્ય પ્રાપ્તિના ઇચ્છુકોએ લાલિત્યપૂર્ણ આખ્યાનોથી પોતાની કાવ્યકલાથી દેવાધિદેવની આરતી ઉતારી છે. જ્ઞાનના અલંકારોથી અલંકૃત થયેલી ભાષાના સ્થાને ભક્તની કાલીઘેલી ભાષા જ માત્ર હોય છે. પોતાના ઇષ્ટનું સૌંદર્ય-માધુર્ય જ નજર સમક્ષ આવે છે. ભક્તની નજરમાં અર્જુનની એકાગ્રતા જોવા મળે છે અને આ જ એકાગ્રતા ભક્તિની પરાકાષ્ઠા હોય છે. એની (ઇષ્ટની) કૃપાનું ફળ સર્વત્ર ફેલાયેલું જોઈ શકાય છે. એના જ પ્રભાવથી આ અસાર સંસાર