________________
હું કહેતી કે તેઓ ગાયો અને પશુઓના રક્ષણમાં સક્રિય છે એટલે કોઈ ફોઈબાએ તેમનું નામ ગોકુળભાઈ કહ્યું હશે.
રાજચંદ્ર સમુદાયમાં અને દિગંબર આમ્નાયમાં તેઓ વિશેષ પરિચિત છે. શ્રીમદ્રાજચંદ્ર હૃદયમાં અને વચનામૃત તેમના કંઠને વરેલા છે. શ્રી સમયસાર પ્રવચનસાર, નિયમસાર જેવા ઉત્તમ ગ્રંથોના તેઓ અભ્યાસી અને સ્વાધ્યાયકાર છે. તત્ત્વચિંતન તે તેમના જીવનનું અંગ છે. છેલ્લા ચાલીસ વર્ષથી આવા ઉત્તમ અને કઠિન ગ્રંથો તથા વચનામૃતના સ્વાધ્યાય શ્રેણિનો પ્રવાહ અવિરત ચાલુ છે.
ચાલીસેક વર્ષ પહેલાં મેં સામાજિક સેવા ક્ષેત્ર છોડયું પછી મૌનની આરાધના માટે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ઈડરમાં રહેવાનું થયું ત્યારે મને તેમનો નિકટનો પ્રથમ પરિચય થયો. તેમની તત્ત્વચિંતન અને સ્વાધ્યાયની પદ્ધતિ મને રુચિ ગઈ. શુદ્ધાત્માની ઉપાસનાને અગ્રિમતા આપતા.
ત્યાર પછી તેઓ જીવનનો ઘણો સમય ઈડરની ગુફાઓમાં એકાંતમાં રહી આરાધના કરતા. પાછળના વર્ષોમાં ઈડર ગઢના પહાડ પર દિગંબર મંદિર અને નિવાસસ્થાન છે ત્યાં રહે છે. અને ખુલ્લી ગુફામાં ધ્યાન, અધ્યયન કરે છે. આ ગુફા ખુલ્લી હોય છે. તેઓ કહેતા કોઈવાર મિત્રો આવે એટલે દીપડા, વાઘ, સાપ અને નજર કરીને ચાલ્યા જાય.
તેઓ એકાંત તથા મૌન સેવી ગંભીર આરાધક છે. તેમના જ્ઞાન ખજાનાનો મને ઘણો લાભ મળ્યો છે.
શ્રી સમયસારજી અને બીજા ગ્રંથો મને બહુ સરળશૈલીથી સમજાવ્યા હતાં. તેમનો મારા પર ઘણો ઉપકાર છે તેથી અત્રે તેમને કેમ ભૂલી જવાય?
ગોકુળભાઈ અંતર્મુખ સાધક છે. જરૂર સિવાય બોલવું નહિ. મિથ્યાત્વથી દૂર થવા અને સમ્યકત્વનો સહારો એ એમનું ધ્યેય છે. તે માટે તેઓ કહે છે હું વિતરાગ દેવ, વિતરાગી ગુરુ અને વિતરાગ ધર્મનું સેવન કરી વિતરાગભાવ પ્રગટ કરું આજ ભાવના છે.
વારંવાર સવિકલ્પ અવસ્થામાં હું આત્મા છું એ પ્રકારની ભાવના દ્વારા અંતર્મુખ બની નિર્વિકલ્પ થવાનો અભ્યાસ કરવો.
સ્વભાવના આશ્રયે પરમપદ પ્રાપ્ત થઈ શકે છે. વ્યવહાર નિશ્ચયનો યથાર્થ નિર્ણય કરી ભેદમાંથી અભેદને સાધવો
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો