________________
કામ કરતી થઈ ગઈ છતાં શબ્દ બાણોતો વાગતા જ રહેતા.
જમનાદાસ સ્વભાવનો ઉગ્ર હતો, કારણ વગર ઉશ્કેરાતો અને પ્રારંભમાં ઘોલધપાટ કરી દેતો, ઝમખુ તેને સહી લેતી.
પણ એકવાર એવું બન્યું કે અન્ય જીવોની સાથે અવળી સોબતે ચઢી નશો કરીને આવેલો. સાંજે રોટલા થવાને થોડી વાર હતી અને તેનો પિત્તો ગયો, લાકડી લઈને ઝમખુ પર તૂટી પડ્યો.
રોજનું થોડું તો ઝમખુ સહી લેતી પણ આજના અસહ્ય મારે તેને હચમચાવી મૂકી તે તો રસોડામાંથી ઉઠી ઘરની બહાર નીકળી ગઈ અને દોટ મૂકી પિયરના ગામે જે નજીક હતું ત્યાં પહોંચી.
જમનાદાસે જોયું તે તો વધુ ઉશ્કેરાયો અને ડાંગ લઈને પાછળ દોડયો. ગામ નજીક હતું, ઝમખુ તો પહોંચી ગઈ. પિયરના ઘરમાં ઘૂસી ગઈ.
જમનાદાસ ઉભો રહી ગયો. મનમાં ઉકળેલો હતો. આભાદાદા વખત સમજી ગયા પણ ગંભીર મનના માનવી. તેમણે જમાઈને આવકાર આપ્યો. ઢાળિયો ઢાળી બેસાડયા અને જમાઈને જમાડવાની વ્યવસ્થાની સૂચના આપી.
આભાદાદાની ગરિમા જ એવી હતી કે જમનાદાસ ઠંડો થઈ ગયો. ઘરમાં જાય કેવી રીતે? સાંજનું વાળુ કરી બેઠા રાત પડે આભાદાદા રોજની જેમ ખેતરે જવા નીકળ્યા. ત્યાં જ સૂઈ જતા.
જમનાદાસ જમીને આડો પડયો હતો, તે પણ સસરા સાથે ખેતરે જવા તૈયાર થયો.
બંને ખેતરે પહોંચ્યા. દાદાએ બંને ઢાળિયા ઢાળ્યા. જરા આડે પડખે થયા અર્ધી રાત થઈ.
વાત હવે શરૂ થાય છે. આમાદાદા ગીરની તળેટીમાં રહેતા, રાત્રે વાઘ સિંહ આવતા તેમની સાથે તેમણે મૈત્રી કરેલી, રોજની ચર્યા મુજબ આભાદાદાએ બૂમ મારી મંગળદાસ અને એક સિંહ ધીમે પગલે આવી દાદાના પગ આગળ બેસી ગયો.
થોડીવાર થઈ બૂમ પાડી રામદાસ અને વાઘ આવીને દાદાના ખાટલા પાસે બેસી ગયો. દાદાએ રોજની કથા શરૂ કરી, દીકરાઓ ૩૦
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો