________________
૫૨. ધર્મનું મહાત્મ્ય
ધર્મ શબ્દનો ઘણા પ્રકાર અને હેતુ માટે ઉપયોગ થાય છે. અત્રે તાત્ત્વિક, આત્મશુદ્ધિ પ્રેરક ધર્મ પ્રસ્તુત છે. ધર્મ એટલે શુદ્ધ સ્વભાવ. પવિત્ર તત્ત્વ.
બાળક શાળાએ ભણવા ન જાય તો મૂરખ રહે તેમ યોગ્યતા પ્રમાણે ધર્મ ન કરે તો જીવન સાર્થક ન થાય. દુર્લભ એવો માનવજન્મ પુનઃ થવો દુર્લભ છે. ધર્મ સાધુ સંતોના સમાગમે કે શાસ્ત્રો દ્વારા પામી શકાય છે.
આ ધર્મ માત્ર ક્રિયાકાંડમાં સમાતો નથી. બાહ્ય ઉત્સવોમાં જ સમાતો નથી તે અમુક અંશે જરૂરી હોય તો પણ તેમાંય ધર્મનો સાચો મર્મ તો સમજવો જોઈએ કે જે દ્વારા જીવનના સંસ્કારો જન્માંતરીય બને.
જંબૂકુમાર, સ્થૂલિભદ્ર, મૃગાપુત્ર, જેવા મહાપુરુષો પૂર્વના વિપુલ સંસ્કાર લઈને જન્મ્યા હતા. તે જન્માંતરીય સંસ્કારોને કારણે આ જન્મમાં પોતે સાંસારિક અઢળક સંપત્તિ અને સુખનો સ્હેજે ત્યાગ કર્યો. પરમાં સુખ નથી એ સત્ત્વ તેમનામાં સ્થાયી હતું.
આજનો ભૌતિક-વૈજ્ઞાનિક યુગ સાધનોની સગવડ આપે છે. સુખ નથી આપતા. સુખ આત્માનો ગુણ છે જે આત્માની જ સમશ્રેણીમાં સમાય છે. તે વિજ્ઞાનમાં કયારેય આવિર્ભાવ પામવાનો નથી. ધર્મ એ જીવનનો મર્મ છે.
ધર્મ જે આત્માનો સહજ ગુણ છે તે જીવના રાગાદિ ભાવ અહમ્, મમત્વ જેવા દોષો, માયા, છળકપટથી રહિત પવિત્ર સ્વભાવ છે. જેનાથી દુઃખ વગરનું સુખ પ્રાપ્ત થાય છે કેમકે આત્માનું સુખ આત્માનીજ સમશ્રેણીમાં સમાયેલું છે.
વૈજ્ઞાનિકયુગે ટીવી, એ.સી., અનેક ગૃહકાર્યના સાધનો આપ્યા. તેણે માનવને સ્વતંત્ર કર્યો કે પરતંત્ર ? એક બે કલાક ઉનાળામાં ઈલેકટ્રીક સીટી બંધ રહે તો સ્વાધીન કે પરાધીન, સુખ કે દુઃખ ?
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૯૫