________________
છ માસ વીત્યા પણ ગુરુજીએ કહ્યું હતું તેમ નદી સ્થિર ન જણાઈ, પુલને ખરતો ન જોયો પણ એક દિવસ તેને જ્ઞાન લાધ્યું કે આ વિશ્વમાં કશું સ્થાયી નથી. નદીનું નીર પ્રવાહિત છે તેનું કારણ ધરતી સ્થિર છે. પુલના પરમાણું નિરંતર ક્ષીણ થતા જાય છે. તે જણાતા નથી કારણ કે દૃષ્ટિ એટલી સૂક્ષ્મ નથી. અને તેને વૈરાગ્યની ખૂટતી કડી મળી ગઈ.
સાધકો જ્ઞાન, ધ્યાન જેવી અનેક પ્રકારની સાધના કરે છે પણ તેને અંતે જગતના પૌદ્ગલિક પદાર્થોના સુખની આકાંક્ષા છૂટતી નથી. મોટી આરાધના કર્યા પછી તે પૂરી થાય ત્યારે સંસારના પદાર્થોની સુખબુદ્ધિમાં કોઈ ફરક ન થાય. જીવ તો એવોને એવો જ સુખબુદ્ધિ વાળો રહે તો તે આરાધનાનું આત્મિક ઉત્થાન કેટલું ?
કારણ કે તે તે અનુષ્ઠાનોના મૂળમાં આત્માને આગળ કરવાને બદલે ઘોડો પાછળ અને ગાડી આગળની જેમ તેની આરાધના સંસારના પ્રવાહ તરફ હતી. પછી આરાધનાનું પોટલું ખોલે શું નીકળે ? એ જ સંસાર વૃત્તિનો પ્રવાહ. માટે વિચારવું કે મારે આરાધના કોની કરવી છે ? અહંમની કે અર્હમની ?
સુખનું સરનામું
સૌ પ્રથમ જીવને સાચા સુખની ખબર નથી પ્રાણી માત્ર સુખ તો ઈચ્છે છે, દુઃખથી દૂર રહેવા માંગે છે. છતાં ઈચ્છે છે તેવું સુખ મળતું નથી. કારણ તે જયાં છે ત્યાં તે શોધતો નથી.
કોઈ ચીજ ઘરમાં પડી ગઈ હોય, ઘરમાં અંધારું છે તેથી તેણે બહાર અજવાળામાં જઈને શોધવા માંડી. જયાં ચીજ નથી ત્યાં મળે કેવી રીતે ?
કોઈ સાધુ મહાત્મા ત્યાંથી જતા હતા. તેમણે તે વ્યક્તિને કહ્યું શું શોધો છો ? વસ્તુ ક્યાં પડી ગઈ હતી. ?
વસ્તુ ઘરમાં પડી ગઈ છે પણ ઘરમાં અંધારું છે એટલે બહાર અજવાળામાં શોધું છું.
મહાત્માએ કહ્યું ભાઈ વસ્તુ જયાં હોય ત્યાં શોધાય ત્યાં અજવાળું સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૭૯