________________
કુમારે પૂર્વભવ જાણીને મગધદેશ જવાની રજા માંગી. પણ પિતાએ રજા આપી નહિ. તેથી તે મોકો જોઈને ઉપડતા વહાણમાં મગધ દેશ બાજુ જવા ઉપડી ગયા. અને જાતે જ સાધુનો વેશ પહેરી વસંતપુર ગામના એક યક્ષમંદિરમાં ધ્યાનસ્થ ઉભા રહ્યા.
બંધુમતી વસંતપુરના શ્રેષ્ઠીને ત્યાં જન્મી હતી. તેનું નામ શ્રીમતી હતું. તે એ જ વખતે પોતાની સખીઓ સાથે યક્ષમંદિરમાં આંધળાપાટાની રમત રમવા આવી. મંદિરના થાંભલાને પકડીને વર ગણવાની એ રમતમાં શ્રીમતી મુનિને થાંભલો ગણી પકડી લીધા. પછી ખબર પડી કે આ તો જીવંત પુરુષ છે. તેણે સખીઓને કહ્યું કે તે તો હવે આ પુરુષને મનથી વરી ચૂકી છે.
મુનિ આ બનાવથી ત્યાંથી ઝડપથી અન્યત્ર ચાલી ગયા. બાર વર્ષ બાદ પાછા આ નગરમાં આવ્યા. શ્રીમતીએ જોયા અને કહ્યું કે હું તમને તે દિવસે વરી ચૂકી છું. જો હવે તમે મને ત્યજી દેશો તો અગ્નિસ્નાન કરીશ.
આદ્રકુમારનું ભોગાવળી કર્મ બાકી હતું. તેઓ પીગળી ગયા. અને શ્રીમતી સાથે લગ્ન કર્યા. સુખેથી સંસારમાં રહેવા લાગ્યા તેમને એક પુત્ર થયો પરંતુ સંસ્કારવશ બાર વર્ષે પાછા સંયમના ભાવ થયા.
એકવાર શ્રીમતી પુણી કાંતતી હતી. પુત્રે પૂછયું મા, તું શા માટે પૂણી કાંતે છે. તેણે કહ્યું તારા પિતા સંસાર ત્યાગ કરશે ત્યારે નિર્વાહ માટે જરૂર પડશે. આ સાંભળી બાળકે સૂતરના તાર લઈ પિતાને ફરતા વિંટાળ્યા. માને કહે પિતાને બાંધી દીધા છે હવે કેવી રીતે જશે !
પિતા આ જોઈને પુત્રના સ્નેહમાં બંધાઈ ગયા. સૂતરના તારના આંટા બાર ગણી બાર વર્ષ પુનઃ ઘરમાં રહ્યા.
આદ્રકુમારના બાર વર્ષ પૂરા થયા. કુમાર મુનિ થઈ પ્રભુ મહાવીર પાસે જવા ચાલી નીકળ્યા. માર્ગમાં જીવોને બોધ પમાડતા. પાંચસોને લઈને પ્રભુ મહાવીર પાસે સૌ દીક્ષિત થયા. ઉત્કૃષ્ટ સાધના કરી અનુક્રમે મુક્ત થશે. એક પ્રતિમાના દર્શન માત્રથી આદ્રકકુમાર મુક્તિને પામ્યા.
જિન પ્રતિમા જિન સારીખી !
૧૫૪
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો