________________
૧૪
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના વળી, ભગવાનનો ઉપદેશ અપ્રમાદસાર છે અને અપુનબંધકાદિ દરેક જીવોને પોતપોતાના ઔચિત્યથી વિશેષરૂપે પરિણમન પામે છે, એ ભગવાનની વાણીનો અતિશય છે; અને આથી જ “સર્વ જીવોની હિંસા કરવી જોઈએ નહિ' - એ પ્રકારના ભગવાનના ઉપદેશથી જ કેટલાક જીવો ચારિત્રને સ્વીકારે છે, કેટલાક જીવો દેશવિરતિને સ્વીકારે છે, કેટલાક જીવો સમ્યક્તને સ્વીકારે છે અને કેટલાક જીવો મધ-માંસની વિરતિને સ્વીકારે છે. આ પ્રકારના ભગવાનના વચનનો અતિશય બતાવેલ છે.
વળી, પ્રવૃત્તયોગી પ્રત્યે સાધુને બોલવાની ભાષા અને ઈચ્છાયોગી પ્રત્યે સાધુને બોલવાની ભાષાનો ભેદ હોય છે, તે પણ બતાવેલ છે.
શ્લોક-૨૧માં ભગવાનના ભક્તિકર્મમાં ભક્તિ કરનારને હિંસાની અપેક્ષાએ કર્મબંધ અને ભક્તિ અંશની અપેક્ષાએ નિર્જરારૂપ લાભ હોવાથી સાક્ષાત્ શબ્દથી સાધુ સંમતિ આપતા નથી, પરંતુ મૌનથી જ સંમતિ આપે છે. આ પ્રકારની પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ કરીને ભગવાનની ભક્તિમાં થતી હિંસાથી ભક્તિ કરનારને કોઈ કર્મબંધ થતો નથી, તેનું યુક્તિથી સ્થાપન કરેલ છે.
વળી કોઈક સાધુની વ્યાખ્યાન આપવાની શક્તિ ન હોય અને અનુકૂળ પ્રત્યેનીક અશુદ્ધ આહારદાન કરતો હોય તો પણ તે નિષેધ કરે નહિ, અને સાધુની વ્યાખ્યાન આપવાની શક્તિ હોય તો અવશ્ય નિષેધ કરે. તેથી ક્યારે ઉપદેશમાં પ્રવૃત્તિ કરવી ઉચિત છે અને ક્યારે અનુચિત પ્રવૃત્તિ હોવા છતાં સાધુએ પોતાની શક્તિ ન હોય તો મૌન લેવું ઉચિત છે, તેનું યુક્તિથી સમર્થન કરેલ છે.
વળી પ્રજ્ઞાપ્ય અને વિનયાન્વિત પુરુષ પોતાના ઉચિતત્યવિષયક પૃચ્છા કરે ત્યારે કોઈ સ્થાનમાં સાધુ મૌનથી સંમતિ આપે તો કોઈ સ્થાનમાં સાક્ષાત્ વચનથી પણ સંમતિ આપે, તેનો વિવેક પણ કરેલ છે.
વળી, સૂર્યાભદેવના પ્રસંગમાં ભગવાને મૌનથી સંમતિ આપી અને જમાલિએ પૃથઞ વિહાર માટે પૃચ્છા કરી ત્યારે ભગવાનના મૌનથી અસંમતિ પ્રાપ્ત થઈ. તેથી કયા સ્થાને મૌનથી સંમતિ પ્રાપ્ત થાય અને કયા સ્થાને મૌન હોવા છતાં અસંમતિ પ્રાપ્ત થાય તે વાત યુક્તિપૂર્વક બતાવેલ છે.
વળી પુષ્ટાલંબનમાં ભગવાને બ્રાહ્મણને વસ્ત્ર આપ્યું અને આર્યસુહસ્તિ મહારાજે રંકને ખાવા માટે દીક્ષા આપી, તે રીતે સાધુઓ પણ પુષ્ટાલંબનથી ગૃહસ્થને અનુકંપાદાન આપી શકે, તેનું યુક્તિથી સ્થાપન કરેલ છે.
વળી ભગવતીમાં આધાર્મિક દાનનો પ્રતિષેધ અને સૂયગડાંગસૂત્રમાં બ્રાહ્મણે ભોજનદાનનો પ્રતિષેધ કરેલ છે અને સાધુગુણયુક્તને અલ્પતર પાપ અને બહુનિર્જરાનો હેતુ હોવાને કારણે અપ્રાસુક દાનવિધિ કહી, તેમાં રહેલ ભિન્ન ભિન્ન અપેક્ષાઓનો બોધ કરાવેલ છે.
શ્લોક-૨૨માં યોગ્ય જીવોની અનુચિત પ્રવૃત્તિમાં જો નિષેધ ન કરવામાં આવે તો સાધુને અનુમતિની પ્રાપ્તિ થાય. માટે મૌનથી પણ તે અનુચિત પ્રવૃત્તિમાં કર્મબંધની પ્રાપ્તિ થાય, તે વાત યુક્તિથી બતાવેલ છે.