________________
૧૨
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના સ્વીકારેલા દાનાદિ કૃત્યોનો ધર્મ પામ્યા પછી પણ કઈ રીતે નિર્વાહ કરવો જોઈએ, તેનો વિશેષ વિવેક બતાવેલ છે.
શ્લોક-૧૩/૧૪માં દેવતાઓ વાવડી આદિનું પણ પૂજન કરે છે, માટે જેમ વાવડી આદિનું પૂજન ધર્મ નથી, પરંતુ દેવભવનો આચાર છે, તેમ સ્થાપન કરીને લંપાક મૂર્તિની અપૂજ્યતા સ્થાપન કરે છે, તેનું નિરાકરણ કરીને દેવોના વાવડી આદિના પૂજન કરતાં ભગવાનની મૂર્તિની પૂજામાં શું ભેદ છે, તે બતાવેલ છે.
શ્લોક-૧૫માં દેવતાઓની ભગવાનની મૂર્તિની પૂજા દેવભવની સ્થિતિ છે, તેમ સ્વીકારીએ તો પણ ભગવાનની મૂર્તિ કઈ રીતે પૂજ્ય સિદ્ધ થાય છે, એ વાત યુક્તિથી બતાવેલ છે.
વળી, ત્યાં પૂર્વપક્ષી લુપાક શંકા કરે છે કે, જેમ અભવ્ય ચારિત્ર આદિનું અનુષ્ઠાન કરે છે, તેમ મિથ્યાદૃષ્ટિ દેવો પણ જિનપ્રતિમાની પૂજા કરે છે, માટે તેઓના આચારથી મૂર્તિ પૂજનીય સિદ્ધ થાય નહિ; તેનું નિરાકરણ કરીને શાસ્ત્રના વચનથી જ સમ્યગ્દષ્ટિ દેવોથી પ્રતિમા વંદનીય છે, તેનું યુક્તિથી સ્થાપન કરેલ છે.
વળી, સંગમ ઈન્દ્રનો સામાનિક દેવ છે, આમ છતાં તે વિમાનાધિપતિ નથી; અને જે વિમાનાધિપતિ હોય તે નિયમો સમ્યગ્દષ્ટિ હોય છે, તેનું યુક્તિથી સ્થાપન કરેલ છે.
વળી શાસ્ત્રમાં અલ્પબદુત્વની વિચારણામાં, સર્વસંજ્ઞી કરતાં જ્યોતિષ્ક દેવો સંખ્યાતગુણા કહેલ છે. તેથી ચંદ્ર-સૂર્યના વિમાનાધિપતિને સમ્યગ્દષ્ટિ સ્વીકારીએ તો સમ્યગ્દષ્ટિ દેવો કરતાં મિથ્યાદૃષ્ટિ દેવો સંખ્યાતગુણા સિદ્ધ થાય, પરંતુ અસંખ્યાતગુણા સિદ્ધ થાય નહિ, અને શાસ્ત્રમાં મતિ-શ્રુતજ્ઞાની કરતાં વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગુણા કહેલ છે, તે પાઠની સંગતિ કઈ રીતે થઈ શકે ? તે બતાવવા માટે સમ્યક્તમાં દ્રવ્યસમ્યક્ત અને ભાવસમ્યક્ત શું ચીજ છે, તેનું વિસ્તારથી સ્વરૂપ બતાવેલ છે.
વળી, વિમાનાધિપતિને પણ આકર્ષ દ્વારા મિથ્યાત્વ હોવા છતાં દ્રવ્યસમ્યક્ત હોઈ શકે છે, તે બતાવીને મતિ-શ્રુતજ્ઞાની કરતાં વિર્ભાગજ્ઞાનીને અસંખ્યાતગુણા કહેનારા પાઠની સંગતિ યુક્તિથી બતાવેલ છે, જેના બોધની સાથે સાથે ભાવસમ્યક્ત, દ્રવ્યસમ્યક્ત, નિશ્ચયસમ્યક્ત, વ્યવહારસમ્યક્ત, સરાગસમ્યક્ત, વીતરાગસમ્યક્ત શું ચીજ છે, તેનો પણ વિશદ બોધ કરાવેલ છે.
વળી, શાસ્ત્રમાં ત્રણ પ્રકારની પૂજા બતાવેલ છે, અને વિર્ભાગજ્ઞાનમાં મિથ્યાત્વનું બીજ હોવાને કારણે દેવતાઓની પૂજા આ ત્રણ પૂજામાંથી સંગત થઈ શકે નહિ; કેમ કે, આ ત્રણે પૂજાઓ સમ્યગ્દષ્ટિ આદિને સંભવે, તેથી દેવસ્થિતિરૂપ જ દેવોની પૂજા છે; આ પ્રકારની કોઈની શંકાને સામે રાખીને અપુનબંધકને પણ ભગવાનની પૂજા કઈ રીતે ઘટે ? અને તે ભાવમાર્ગની પ્રાપક કઈ રીતે બને છે અને મહાપથની વિશોધક કઈ રીતે બને છે, તે વાત યુક્તિથી બતાવેલ છે.