________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ – ૧૫૯ શાંતિનો માર્ગ છે, પ્રભુ!
(હવે કહે છે: ) “હું નારકપર્યાયને કરતો નથી.” નારકીના શરીરની પર્યાયને હું કરતો નથી, હું કરાવતો નથી અને હું અનુમોદતો નથી. અને આ નારકપર્યાયનું હું કારણ (પણ) નથી. એવા “સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” – સ્વાભાવિક ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્મા છે. ભગવાન આત્મા ચૈતન્યવિલાસી પ્રભુ (છે).
(લોકો) નથી કહેતા કે-આ વિલાસી માણસ છે. આ બહારમાં ભોગમાં પૈસામાં વિલાસી (મસ્ત) છે! (પણ) એ વિલાસી તો ધૂળના ય નથી. (એ તો) ઝેરના વિલાસી છે! આ (જ્ઞાની) તો ચૈતન્યસ્વરૂપ આત્માના વિલાસી છે.
આહાહા! સહુજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્મા (છે). આ આત્મા ચૈતન્યવિલાસસ્વરૂપ છે. આત્મા ત્રિકાળ ચૈતન્યના વિલાસસ્વરૂપ જ છે. એમ કહે છે. એનું સ્વરૂપ જ એવું છે. ચૈતન્યવિલાસસ્વરૂપનો વિલાસ પર્યાયમાં કરવો! (એટલે કે) એ (આત્મા) સ્વભાવરૂપે વિલાસસ્વરૂપ છે, તો પરિણતિમાં ચૈતન્યનો વિલાસ પ્રગટ થાય છે. એનું નામ સાચું પ્રતિક્રમણ કહેવામાં આવે છે.
છે ને..! “સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” એને હું ભાવું છું. અર્થાત્ ભાવના કરું છું. હું મારા ચૈતન્યસ્વરૂપ આત્માની ભાવના કરું છું. ભાવના અર્થાત્ અંતરએકાગ્રતા.
ઝીણી વાત છે ને, ભાઈ ! અપૂર્વ વાત, અનંતકાળમાં ક્યારે ય કરી નથી. અનંતવારી જૈન સાધુ થયો, અગિયાર અંગ ભણ્યો, ત્યાગ-વૈરાગ્ય અનંતવાર લીધા, પણ વાસ્તવિક જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ-જે સમકિતીને હોય છે, એ નિર્જરા અધિકારમાં આવે છે ને! જ્ઞાન અને વૈરાગ્યશક્તિ સ્વરૂપનું જ્ઞાન અને પર તરફથી ઉદાસીન (રૂપ) વૈરાગ્ય, એવી શક્તિ-ક્યારેય પ્રગટ કરી નથી. બહારથી કદાચિત્ કષાયની મંદતા કરી હોય પણ એ તો રૂંધાયેલો કષાય છે. (બહેનશ્રીનાં “વચનામૃત” માં છે.) એ કષાયને રૂંધ્યો છે, અંદર દાબી રાખ્યો છે.
અહીંયાં કહે છે કેઃ “હું નારકપર્યાયને કરતો નથી” કેમ? કે હું તો “સહુજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું” . (“ભાવું છું') એ પર્યાય છે. “સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્મા” એ તો ત્રિકાળી ચીજ થઈ. “એને હું ભાવું છું, એની હું ભાવના કરું છું.' એ તો પર્યાય થઈ, એ નિશ્ચય-પ્રતિક્રમણની દશા થઈ.
હું તિર્યંચપર્યાયને કરતો નથી.” તિર્યંચ એટલે નિગોદથી માંડીને બધા તિર્યંચ હોં! નિગોદ પણ તિર્યંચમાં આવે છે. નિગોદ, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રિન્દ્રિય, ચારઈન્દ્રિય, પંચેન્દ્રિય (સંજ્ઞી અને અસંજ્ઞી બંને) એ તિર્યંચશરીર; એ શરીર જેનાથી મળે તેવા ભાવને પણ હું કરતો નથી, કરાવતો નથી, કરવાવાળો હોય તેને હું અનુમોદતો નથી અને એનું હું કારણ પણ નથી. (શ્રોતા ) ઉપાદાન કારણ નહીં કે નિમિત્ત કારણ નહીં? (ઉત્તર) ઉપાદાન કારણ નહીં અને નિમિત્ત કારણ પણ નહીં. ઉપાદાન કારણ (એ) તો પરમાં ગયું. પણ એનું નિમિત્ત કારણ પણ હું નથી. આહા. હા! હું તો વીતરાગીપર્યાયનું કારણ ભગવાનઆત્મા! હું તો જ્ઞાતા-દ્રષ્ટા, ચૈતન્યવિલાસસ્વરૂપ ભગવાનઆત્મા; એને ભાવું છું. એમાં એ (તિર્યંચપર્યાય અને એના કારણ) ક્યાં આવ્યાં? ઝીણી વાત છે, બાપુ ! જગતને (ખબર નથી).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com