________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ – ૧૭૧ છે! એ ચીજનું જ્યાં અંદરમાં ધ્યેય થઈને, ધ્યાનમાં અનુભવ થયો ત્યારે મોક્ષમાર્ગ પ્રગટ થયો. તો એ મોક્ષમાર્ગની પર્યાયના ભેદનો પણ હું કર્તા નથી. એ તો આવી ગયું એમાં. નિશ્ચય (મોક્ષમાર્ગ) હોં ! વ્યવહાર તો હવે આવશે. સમજાણું કાંઈ ?
અહીંયાં લીધું “શરીર સંબંધી” – એટલી ભાષા ચોખ્ખી ખુલ્લી કરી: “મારા શરીર સંબંધી બાલાદિ અવસ્થા” [ ઓલી બાજુ (પહેલાં જે બાળ-યુવાન આદિરૂપ ભેદો) માં ત્યાં એ કોઈ શરીર સંબંધી અવસ્થા નથી.) “ભેદોને કરતો નથી.” યુવાન (આદિ) અવસ્થાને હું કરતો નથી; એ તો જડની, પરમાણુની, પુદગલની એ સમયે યુવાન (આદિ) અવસ્થા છે અને હું કરતો નથી, હું કરાવતો નથી, હું કર્તાનો કારણ નથી અને કર્તાનો અનુમોદક નથી. (એમ) ચાર બોલ છે.
સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ, સ્વાભાવિક ચૈતન્યના વિલાસસ્વરૂપ-ત્રિકાળીની વાત છે, હોં! ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્મા... એમ. હું તો સ્વાભાવિક ચૈતન્ય ધ્રુવ આનંદનો નાથ પ્રભુ; એના વિલાસને જ ભાવું છું. એવા આત્માને જ (ભાવું છું). “જ” શબ્દ પડ્યો છે. એ જ્ઞાયક જે આનંદ-ચૈતન્યવિલાસસ્વરૂપ ભગવાન આત્મા, નિત્યાનંદ પ્રભુ-એની (જ) હું ભાવના કરું છું.
બાલાદિ-યુવાન અવસ્થા અનેક પ્રકારની હોય. શરીર નીરોગ હોય તો ધર્મ થઈ શકે ને! એમ નથી. છતાં ઉપદેશ આવે. શ્વેતાંબરમાં પણ છે અને આપણે “ભાવપાહુડ ગાથા-૧૩રમાં આવે છે: “હે મુને! જ્યાં સુધી તને જરા (-વૃદ્ધાવસ્થા) ન આવે અને જ્યાં સુધી રોગરૂપી અગ્નિ તારી દેહરૂપી કુટિરને ભસ્મ ન કરે અને જ્યાં સુધી ઇન્દ્રિયોનું બળ ન ઘટે ત્યાં સુધી પોતાનું હિત કરી લે.” તેમજ “ભાવપાહુડ” ગાથા-૩૮માં કુંદકુંદાચાર્ય કહે છે કેઃ “એક મનુષ્યના શરીરમાં એક એક તસુમાં ૯૬-૯૬ રોગ હોય છે ત્યારે કહો બાકી રહેલા આખા શરીરમાં કેટલા રોગ કહીએ.” પ્રભુ! આ શરીર તો વેદનાની મૂર્તિ છે અને ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ છે.
અહીં કહે છે કે એ શરીરસંબંધી અવસ્થાભેદોને હું કરતો નથી, હું કરાવતો નથી. હું તો “સહજ ચૈતન્યવિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” “આત્માને જ' –એકાંત થઈ જાય છે; એકાંત જ છે. હું ભેદની ભાવના કરતો નથી. ભેદ છે, પણ મારી ભાવના તો આ એક જ છે. આહા... હા! પરમાનંદનો નાથ પ્રભુ મહાપ્રભુ ચૈતન્યસ્વરૂપથી ભરપૂર ભરેલ; એમાં એકાગ્રતાની મારી ભાવના છે. આહા... હા ! એ પરમાર્થચારિત્ર ને એ પરમાર્થ-પ્રતિક્રમણ છે. સમજાણું કાંઈ ?
(હવે,) “હું રાગાદિભેદરૂપ ભાવકર્મોના ભેદોને કરતો નથી,” પછી (આગળના બોલમાં) પણ ભાવકર્મ આવશે પણ ત્યાં ચાર કષાય આવશે. અહીંયાં તો રાગ, દ્વેષ, પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિનાં પરિણામ, વ્યવહારરત્નત્રયનાં પરિણામ એ “રાગાદિ (ભેદરૂપ) ભાવકર્મોના ભેદોને કરતો નથી.” આવી વાત છે! વ્યવહારરત્નત્રયનો જે રાગ છે એ ભાવકર્મ છે, એ ભાવકર્મના ભેદને કરતો નથી. ભેદ છે ખરા; મુનિને પણ રાગ આવે છે ને...! તો એ (ભેદો) છે ખરા; પણ હું તેને કરતો નથી. રાગાદિ ભેદરૂપ ભાવકર્મોના ભેદોને કરતો નથી, કરાવતો નથી અને અનુમોદતો નથી. આહા.. હા! કોઈ ભેદરત્નત્રય કરતો હોય તો એને મારું અનુમોદન નથી.
સમયસાર” પુણ્ય-પાપ અધિકાર (ગાથા-૧૪૫ ) માં આવ્યું ને..! કેઃ પુણ્ય કુશીલ છે, સુશીલ નથી. (એ) સંસારમાં દાખલ કરે છે ને, પ્રભુ ! એ જ પોતે સંસાર છે એ રાગ ભાવ;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com