________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬O – પ્રવચન નવનીત: ભાગ-૨
વળી ( આ ૮૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે ) :તથા દિ
(માનિની) विषयसुखविरक्ताः शुद्धतत्त्वानुरक्ताः तपसि निरतचिताः शास्त्रसंघातमत्ताः। गुणमणिगणयुक्ताः सर्वसंकल्पमुक्ताः कथममृतवधूटीवल्लभा न स्युरेते।। ११५ ।।
[શ્લોકાર્થ:- ] જેઓ વિષયસુખથી વિરક્ત છે, શુદ્ધ તત્ત્વમાં અનુરક્ત છે, તપમાં લીન જેમનું ચિત્ત છે, શાસ્ત્રસમૂહમાં જેઓ મત્ત છે, ગુણરૂપી મણિઓના સમુદાયથી યુક્ત છે અને સર્વ સંકલ્પોથી મુક્ત છે, તેઓ મુક્તિસુંદરીના વલ્લભ કેમ ન થાય? (અવશ્ય થાય જ.) ૧૧૫.
“જેઓ વિષયસુખથી વિરક્ત છે” પરતરફના વલણવાળું જે વિષયસુખ છે એનાથી (જે) અંદર વિરક્ત છે, એ મુક્તિ મેળવી શકે છે, એમ કહે છે.
“શુદ્ધ તત્ત્વમાં અનુરક્ત છે”-શુદ્ધ ભગવાન ચિદાનંદ પ્રભુ એમાં (જે) અનુરક્ત છે. આહા... હા! વિષયથી વિરક્ત છે, સ્વભાવમાં અનુરક્ત છે. આહા... હા! જે સ્વભાવમાં અનુરક્ત નથી તે સ્વભાવથી વિરક્ત છે, રાગથી રક્ત છે. આહા. હા! આવી વાતો !! સાંભળવા મળે નહીં. વિષયસુખથી વિરક્ત.... પણ વિષયસુખથી એકલા વિરક્ત નહીં પણ શુદ્ધતત્ત્વમાં અનુરક્ત (છે). એ આત્માના આનંદસ્વરૂપનો રંગ જેને ચડયો છે (તે) શુદ્ધ તત્ત્વમાં અનુરક્ત છે.
તપમાં લીન જેમનું ચિત્ત છે”-તપ એટલે ચારિત્ર. સ્વરૂપમાં (લીન) તેને તપ કહે છે. આ અપવાસ કરવો ને ફલાણું કરવું એ કાંઈ તપ નથી; એ તો બધાં લાંઘણ છે. અંતર આનંદસ્વરૂપમાં પ્રતપન કરવું. (એટલે કે) જેમ સ્વર્ણ (સોના) ને ગેરૂ લગાવે છે તેમ ભગવાન આત્મામાં સમ્યગ્દર્શનપૂર્વક અંદર લીન થવું, જેનાથી આનંદથી ઓપિત આત્મા પ્રગટ થાય છે, એનું નામ તપ છે. “તપત્તિ રૂતિ તપ:”| આહા.... હા ! અરે ! ક્યારેય (સાચું તપ ) કર્યું નહીં. (સત્ય સમજવાની) દરકાર કરી નહીં. અને આ તપ-વર્ષીતપ કરે ને અપવાસ કરે ને (માની બેસે કે) થઈ ગયો ધર્મ! આહા... હા ! તપ “આ” છે. “તપમાં લીન જેમનું ચિત્ત છે.” -આ જ્ઞાન, જ્ઞાનમાં લીન છે.
શાસ્ત્રસમૂહમાં જેઓ મત્ત છે”—આહા... હા! એ શાસ્ત્રમાં મસ્ત છે, પાગલ છે. દુનિયાથી ભિન્ન થઈ ગયા (છે). આહા... હા! શાસ્ત્રસમૂહના ભાવમાં મસ્ત છે. શાસ્ત્રસમૂહમાં મસ્ત-ઘેલા છે, ઘેલા છે એ ધર્મી શાસ્ત્રસમૂહમાં ઘેલા છે. લોકો કહે, શું કહે છે આ? ઘેલા જેવી વાત કરે છે! પાગલ લોકો ધર્માત્મા-મુનિઓને જોઈને પાગલ કહે. -શું વાત કરે છે ? -આત્મા એવો છે ને આત્મા એવો છે. બાપુ! ભગવાન તું છો ! ( એ આત્માને) સમજણમાં લે તો તને (એની) ખબર પડે. આહા.... હા ! શાસ્ત્રસમૂહમાં મત્ત છે, (મસ્ત છે), ઘેલા છે, અતિ (શય) પ્રીતિવંત અને અતિ આનંદિત છે. શાસ્ત્રના (ભાવનો) અંદર પોતાના ભાવમાં જે અનુભવ થયો એમાં અતીન્દ્રિય આનંદ છે.
શાસ્ત્રનું એકલું જ્ઞાન નહીં; શાસ્ત્ર તરફ ઝુકાવ એ નહીં; પણ શાસ્ત્ર જે કહે છે કે “તારું સ્વરૂપ અંદર પૂર્ણ આનંદ છે” (તેનું શ્રદ્ધાન-જ્ઞાન કરવાથી) એવી અંદર આનંદમાં મસ્તી ચડી ગઈ, મસ્તી થઈ ગઈ મસ્તી! મસ્ત આહા.... હા! જેમ દારૂ પીને મસ્ત થઈ જાય છે ને!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com