________________ પાંચ મિનિટ મનને સાચવી લઈએ, કશું પણ ન બોલીએ તો અવશ્ય ગુસ્સો રવાના થાય. ધીરે-ધીરે ગુસ્સો આવતો પણ બંધ થઈ જાય. કોઈ આપણી સાથે દુર્વ્યવહાર કરે ત્યારે ગુસ્સો કરવાના બદલે તે દુર્વ્યવહારને હકારાત્મક દૃષ્ટિકોણથી મૂલવો, કદાચ તમારા એ દૃષ્ટિકોણથી દુર્વ્યવહાર કરનારો પણ સુધરી જાય. સંત પાસે ચર્ચા કરવા, વાદ કરવા એક પંડિત આવ્યો. આમ તો સંત ચર્ચા કરવામાં માનતા નહીં. પરંતુ પંડિતના અત્યાગ્રહ સામે ચર્ચા કરવાનું એમણે કબૂલ્યું. વાદ શરૂ થયો. સંત તો શાસ્ત્રના પારગામી હતા. શાસ્ત્ર એમણે જાણ્યું પણ હતું અને પચાવી પણ જાણ્યું હતું. ઓલો પંડિત તો છબછબીયાં કરનારો હતો. આખરે થવાનું હતું તે જ થયું. પંડિત ચર્ચામાં પરાસ્ત થઈ ગયો. પંડિતનો ગુસ્સો કાબૂમાં ના રહ્યો. ધૃવાર્ફવા થઈ ગયો. સંતને માથે ટાલ હતી. તે ટાલ જોઈ સંતનું અપમાન કરવા તેના ઉપર જોર-જોરથી ટકોરા મારવા માંડ્યો. ગુસ્સો ઉતારવા કંઈક તો કરવું જ પડે ને ? આખો વાદ જોનારા બાજુમાં બેઠેલા સંતના ભક્તો આવેશમાં આવી ગયા. સંતનું આ અપમાન ! તે લોકો હજુ કંઈક કરવા જાય ત્યાં તો સંત બોલ્યા - “જો જો, કંઈ ન કરતા. આ તો બહુ પંડિત માણસ છે. બધું સમજી વિચારીને કરે છે. જુઓ, તમે દુકાનમાં 50-100 રૂપિયાનો ઘડો ખરીદવા જાઓ ત્યારે એમને એમ ખરીદી લો કે ટકોરા મારી ખરીદો ? આ વ્યક્તિ અત્યંત મહામૂલા એવા સદ્ગુરુને પસંદ કરવા માંગે છે, તો ટકોરા મારે કે નહીં ?' પંડિત તો આ સાંભળતા જ આભો બની ગયો. આ ક્ષમા ! આ સમતા ! ક્ષમતા હોવા છતાં આ હદની ક્ષમા. ધ્રુસકે ધ્રુસકે રડતારડતા સંતના ચરણોમાં પડી માફી માંગે છે અને પોતાને શિષ્ય બનાવી લેવાની વિનંતિ કરે છે. આ હદનું પરિવર્તન આવ્યું એ એકમાત્ર ક્ષમાના પ્રતાપે ! સંત આ હદની ક્ષમા જાળવી શક્યા. કારણ કે સંતે આ ભવમાં ક્ષમાને જ જાળવી રાખવાનો ઠોસ નિર્ણય કરી રાખ્યો હતો. 11