________________
ભક્તામરનો પ્રત્યેક શબ્દ તીર્થ સમાન છે અને એ વસંતતિલકા છંદથી પ્રગટતો શબ્દ ધ્વનિ કોઈ દિવ્ય વાતાવરણનું સર્જન કરે છે એવી આ સ્તોત્રની ધ્વનિશક્તિ છે. આ કારણે આ સ્તોત્ર મહામંત્રનું સ્વરૂપ ધારણ કરે છે. પ્રત્યેક અક્ષર એક બીજમંત્ર સમાન છે. પ્રત્યેક ગાથાનું અલગ અલગ વ્યક્તિત્વ અને એમાંથી નીપજતાં પરિણામો અને સંસારની અનેક વ્યાધિ–ઉપાધિનું નિવારણ છે. ભક્તને ભક્તિની સમાધિ પાસે લઈ જવાનું પૂર્ણ સામર્થ્ય આ ભક્તામર મહાસ્તોત્રમાં છે.
આ સ્તોત્રના રચયિતા સર્વદા પરમ વંદનીય શ્રી માનતુંગાચાર્યના જીવનની રૂપરેખાથી પ્રારંભ કરી આ સ્તોત્રનો રચનાકાળ અને સર્જનની કથા તેમજ ઉપર જણાવ્યું તેમ એની ગાથાસંખ્યા, એનું કાવ્યત્વ એ નિમિત્તે સર્જાયેલી પ્રભાવક કથાઓ અને આ સ્તોત્રનું મહાભ્ય તેમજ એનાં મંત્ર, તંત્ર, યંત્ર અને અષ્ટકો વગેરે આ વિશાળ ફલકને રેખાબહેને અહીં સમાવી લીધાં છે. એમના ઊંડા અભ્યાસની પ્રતીતિ એમણે જે જે ગ્રંથોનો આ નિમિત્તે અભ્યાસ કર્યો એ ગ્રંથોની સૂચિ વાંચતાં રેખાબહેનની વિષયસજ્જતાની અને વિષય ન્યાયની પ્રતીતિ થાય છે. જે અભિનંદનીય અને ભવિષ્યના શોધનિબંધકારક માટે પ્રેરક બને છે.
જે જે ભાવિકોને ભક્તામરનું નિત્ય સ્મરણ કરવું છે એ પુણ્યશાળી જીવ આ ગ્રંથનું ચયન કરશે તો એમને ભક્તિથી વિશેષ અહીં અગોચર પ્રાપ્ત થશે, જે એમની શ્રદ્ધાભક્તિમાં ગુણાકારો કરાવશે. શ્રદ્ધામાં સમજને ઉમેરો એટલે દિવ્ય સત્યની પ્રતીતિ !
ડૉ. રેખાબહેનની આ શબ્દપ્રજાને આપણે હરખથી વધાવીને આ શબ્દ કર્મના તપને વંદન કરીએ.
- ડૉ. ધનવંત શાહ ઇમેલ : drdtshah@hotmail.com
મો. ૯૮૨૦૦૦૨૩૪૧
Xv