________________
સંશોધકનો પરિશ્રમ
જૈન ધર્મ અને સાહિત્યમાં નારીઓએ કરેલ પ્રદાનનું વિશિષ્ટ મૂલ્યાંકન થવું જોઈએ એવો વિચાર મને હંમેશાં સતાવ્યા કરે છે. મારું સદ્ભાગ્ય છે કે Ph.D. કરવા માટે મોટે ભાગે બહેનો મારી પાસે માર્ગદર્શન માટે આવે છે અને મારી ભાવનાને સંવર્ધિત કરે છે. બ્રાહ્મી–સુંદરીની અનુયાયી બની જૈન ધર્મશાસનની સેવા કરવાનો અભિનંદનીય દૃષ્ટિકોણ રાખે છે.
બહેન રેખા વોરાએ સ્તોત્રસાહિત્ય અને ભક્તામર સ્તોત્ર’ જેવો વિષય Ph.D.ની ડિગ્રી માટે પસંદ કરી. જૈન ધાર્મિક ગ્રંથોનું સાહિત્યકીય દૃષ્ટિએ મૂલ્યાંકન કરવાનો અભિગમ સેવ્યો અને એ કાર્ય સુપેરે પાર પાડ્યું છે. આ વિષય વિશાળ, ગંભીર અને ગહન છે.
કોઈ પણ વિષય પર સંશોધનકાર્ય કરવું એ માનીએ તેટલું સરળ નથી. અને એમાંય જેન ધર્મ અને સાહિત્યનાં ગ્રંથાલયોમાંથી હસ્તપ્રતો તથા પ્રાચીન ગ્રંથો પ્રાપ્ત કરવાનું કાર્ય કેટલું કઠિન છે તેનો અનુભવ સંશોધન કાર્ય કરનારને થાય છે. બહેન રેખા મુંબઈમાં રહીને જૈન સ્તોત્રસાહિત્ય વિશેની માહિતી મેળવવા મહારાષ્ટ્રમાં પૂના પ્રાચ્ય વિદ્યા સંશોધન મંદિર – ડેક્કન યુનિવર્સિટીથી માંડીને મુંબઈના વિવિધ જ્ઞાનભંડારો, સૂરત, ખંભાત, ભરૂચ, લીંબડી, પાલનપુર, અમદાવાદ વગેરે નગરોના જ્ઞાનભંડારોની મુલાકાત લઈ અનેક ગુરુભગવંતો તથા સાક્ષરોને મળી મબલક માહિતી ભેગી કરી મને બનાવતી, ચર્ચા-વિચારણાઓ કરતી ત્યારે તેની સંશોધન કરવાની અથાગ મહેનત તથા જિજ્ઞાસાઓની પ્રત્યક્ષ પ્રતીતિ થઈ હતી.
એક હજાર પાનામાં તૈયાર થયેલ આ શોધનિબંધમાં સ્તોત્રનું સ્વરૂપ, અન્ય ધર્મોનાં સ્તોત્રો, ભક્તામર સ્તોત્ર વિષયક સાહિત્ય વગેરેનું વિસ્તૃત આલેખન પ્રાપ્ત થાય છે.
સૌથી વિશેષ રસપ્રદ પ્રકરણ “ભક્તામરનું કાવ્યતત્ત્વ છે. કોઈ પણ પ્રાચીન કે મધ્યકાલીન કવિઓએ ક્યાંય કહ્યું નથી કે તેઓએ કાવ્યસર્જનના હેતુથી આ રચના કરી છે. પરંતુ તેમની રચનાઓ વિધિના સાહિત્યમાં ઉત્તમ સ્થાને બિરાજમાન થઈ શકે તેવી છે. એમાં ૫ પૂ. માનતુંગસૂરીશ્વરજી રચિત “ભક્તામર સ્તોત્ર' એ જૈન ધર્મ અને સાહિત્યનું એક ઉત્તમોત્તમ ભક્તિસ્તોત્ર છે. આ સ્તોત્રની પંક્તિએ પંક્તિએ, શબ્દ શબ્દ અને અક્ષરે અક્ષરે કવિના હૃદયનો ગર્યો નિીતર્યો નિર્ભેળ ભક્તિભાવ સહજ રીતે કાવ્ય બનીને અવતર્યો છે.
- ડૉ. કલા શાહ
XIII