________________ કરવાની હોય છે, તે ભવમાં અને તેમાં પણ જિનશાસનને પ્રાપ્ત કર્યા પછી, જિનવાણીના શ્રવણ દ્વારા સમજણ મેળવ્યા પછી શું ક્રોધ શોભે?, ગુસ્સો શોભે ?, કડવા વેણ શોભે ?, અપશબ્દો શોભે ? આવેશ -ઉકળાટ, બતાવી દેવાની વૃત્તિ - આ બધું શું શોભે ? નહીં જ ને! જો સ્વભાવને સુધારવાની સીઝન જેવો માનવભવ મળ્યા પછી એ જ ક્રોધ ચાલુ હોય તો માનવું રહ્યું કે ખોળિયું માનવનું છે. બાકી, અંદર તો ‘વાઘ” બેઠો છે. સંત રમણ મહર્ષિ ક્રોધથી ધમધમતા માણસને “વાઘભાઈ કહીને સંબોધતા. શિષ્યોએ જ્યારે પૂછ્યું, ત્યારે તેમણે આ જ જવાબ વાળ્યો કે - માનવના ખોળિયામાં ક્રોધ કરનારની આકૃતિ માનવની છે, બાકી એ છે તો વાઘ જ. એટલે જ હું એને ‘વાઘભાઈ' કહીને બોલાવું છું. કદાચ મારા આ સંબોધનથી એની આંખ ઉઘડી જાય અને ગુસ્સો છોડી દે !" જો આ માનવભવમાં નહીં સુધરીએ તો ક્યારે સુધરશું? ક્યારે સ્વભાવ બદલશું ? ક્યારે ક્રોધ છોડશું ? * શું નરકમાં ? કે જ્યાં સતત મારો અને કાપોની જ વાત છે. * શું વાઘના ભવમાં ? કે જ્યાં હિંસકતા સિવાય કશું જ નથી. * શું કૂતરાના ભવમાં ? કે જ્યાં 24 કલાક ભસવા સિવાય બીજું કામ નથી. @P શું ગધેડાના ભવમાં ? કે જ્યાં ભૂંકવા જ જન્મ મળવાનો છે. લાચારીના, પરવશતાના આ ભવોમાં તો શું આપણે આપણો સ્વભાવ સુધારી શકવાના ? તર્ક :- દેવના ભવમાં સુધારશું ? તથ્ય :- આ ભવમાં ગુસ્સો અને ક્રોધ ન છોડનારને કર્મસત્તા દેવલોકનો ભવ આપશે એમ ! આખી જીંદગી ગુસ્સો કરનારા માટે તો ઉપર બતાવ્યા સિવાયના ભવાની શક્યતા લેશ પણ નથી.