________________
દોષો, મિથ્યાજનિત દૃષ્ટિકોણ અને અનીતિમય આચારધારા નષ્ટ થાય છે અને તેને પરિણામે દુર્લભ બોધિ સુલભ બને છે. સ્તોત્રમાં બાહ્ય રૂપે ભક્તિનો પ્રવાહ વહે છે, આંતર રૂપે અધ્યાત્મ-સાધના ચાલે છે. બાહ્ય રીતે ગુણવર્ણન થાય છે, તો આંતરિક રીતે અધ્યાત્મમાર્ગનું આલેખન થાય છે. આંખ તીર્થંકરની મૂર્તિ જુએ છે અને સાથોસાથ ભીતરમાં આંતરદૃષ્ટિનું જાગરણ થાય છે. આદિનાથ ભગવાનના વ્યક્તિત્વમાંથી પ્રગટતા ગુણો ભક્તના હૃદયમાં નિર્મળતા અને પવિત્રતા પ્રગટાવે છે અને આપોઆપ જીવનશુદ્ધિ, હૃદયશુદ્ધિ અને આત્મશુદ્ધિ સધાય છે.
એ દૃષ્ટિએ શ્રી ભક્તામર સ્તોત્ર એ જ્ઞાનનું પૂજન છે, તો અધ્યાત્મનું પ્રમાણ છે. સંક્ષેપમાં કહીએ તો આ ભક્તિથી પરિપૂર્ણ સ્તુતિ એક બાજુએ તીર્થંકરના આરાધનાના ચરમશિખર પર પહોંચે છે, તો બીજી બાજુએ સાધનાના પંથે ચાલતો સાધક તીર્થંકરની શક્તિ અને એમની અધ્યાત્મિક વિભૂતિમત્તાનો સ્પર્શ પામે છે.
આ સ્તોત્ર દ્વારા જીવનના દૃશ્ય અને અદૃશ્ય, કાલ્પનિક અને વાસ્તવિક સઘળા ભયથી મુક્તિ પ્રાપ્ત થાય છે, પરંતુ એની સાથોસાથ મહાયોગી આનંદઘનજી મહારાજે કહ્યું છે તેમ ‘અબ હમ અમર ભયે'ની સ્થિતિ તરફની આમાં યાત્રા છે. શ્રી ભક્તામર સ્તોત્રના પદે પદે ગહન અર્થો રહેલા છે. એની કથા કહે છે કે શ્રી ભક્તામર સ્તોત્રની પ્રત્યેક ગાથાની સાથોસાથ આચાર્ય શ્રી માનતુંગાચાર્યને લગાડેલાં તાળાંઓનું બંધન આપોઆપ તૂટતું ગયું. તીર્થંકર પ્રત્યેની અગાધ ભક્તિનો આ એક સાહજિક આવિર્ભાવ છે. સામાન્ય માનવી એને આશ્ચર્ય કે ચમત્કાર રૂપે જુએ, પરંતુ વાસ્તવમાં પ્રભુ પ્રત્યેના તીવ્ર તલસાટ અને ઉત્કૃષ્ટ ભક્તિનું આ સાહજિક પરિણામ છે. શ્રી ભક્તામર સ્તોત્રની એક એક ગાથા સાથે તાળાંઓનું બંધન તૂટે છે. એ અર્થમાં કહીએ તો એની પ્રત્યેક ગાથાની સાથોસાથ સાધકનાં કર્મબંધનરૂપી તાળાંઓ પણ તૂટતાં જશે એવી શ્રદ્ધા સર્જાય છે.
શ્રી ભક્તામર સ્તોત્રની ગાથાઓના પ્રત્યેક શબ્દમાં અનેક સંકેતો પ્રાપ્ત થાય છે. એના શબ્દોમાં પ્રભુના સ્તુતિવર્ણન ઉપરાંત સાધકના આધ્યાત્મિક જીવનમાં માર્ગદર્શક એવો અર્થ પણ નિહિત છે. એનું કાવ્યત્વ, એનું માધુર્ય, એની રમણીયતા અને એ બધાંની સાથોસાથ ભાવનો પ્રવાહ, સાધકની નમ્રતા, દર્શનનું ઊંડાણ અને ભૌતિક અને આધ્યાત્મિક જીવનનું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે, આથી આ સ્તોત્રનો પ્રભાવ જોતાં એવું અનુભવાય કે સામાન્ય માનવીથી માંડીને ઉત્કૃષ્ટ આરાધક સુધી સહુ કોઈને આ સ્તોત્ર પોતાની રીતે સ્પર્શે છે અને એમાંથી પોતાની પાત્રતા અને ભૂમિકા પ્રમાણે પામે છે.
વિરાટ ગંગા નદી વહેતી હોય, ત્યારે પ્રત્યેક વ્યક્તિ એમાંથી પોતાની ક્ષમતા પ્રમાણે જળપ્રાપ્તિ કરે છે. શ્રી ભક્તામર સ્તોત્રમાંથી પણ એ જ રીતે સામાન્ય માણસથી માંડીને
XI