________________
સ્વર્ગસ્થ આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી
દી૰ ખ૦ કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો વિકાસ, એ પ્રશંસાયુક્ત વિદ્યાલય સ્થપાયું ત્યારથી અત્યાર સુધી, હું જોતો આવ્યો છું. કેટલીએ વખત ત્યાં હાજર રહી મેં વ્યાખ્યાનો આપ્યાં છે અને એને જૈન કોમના ઉદ્ધારની એક સંસ્થા તરીકે લેખતો આવ્યો છું. આપણા સમાજનું એક મોટું અંગ જૈન કોમ છે, અને તેનો ઉદ્ધાર તે આખા સમાજના ઉદ્ધારનો એક સંસ્કારી ભાગ છે, એટલે તે દીર્ઘદષ્ટિથી પૂજ્યપાદ સૂરીશ્વરજીએ એનો પાયો નાખ્યો, ને દરેક ક્ષેત્રમાં તેને આગળ વધાર્યું. તેમનો જેટલો પાડ માનીએ તેટલો થોડો. મુંબઈમાં સ્વ॰ શ્રીયુત સર રમણભાઈ મહિપતરામ નીલકંડના પ્રમુખપણા નીચે ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન થયું હતું તે આ વિદ્યાલયમાં થયું હતું, અને એ રીતે એ વિદ્યાલયે ગુજરાતી સાહિત્યની જે સેવા બજાવી છે તે માટે તે સાહિત્ય પણ એનું ૠણી છે, તો પછી એના પ્રેરકનું ક્રમ જ ન હોય ?
ભારતની સંસ્કૃતિની એકે દિશામાં જૈનોએ પોતાનો ફાળો ન આપ્યો હોય એમ નથી, કારણ એઓ પણ ભારતપુત્રો છે, પછી ભલે તેઓ વૈશ્વિક સંપ્રદાયના અનુયાયીઓ ન હોય. સાહિત્ય, કલા, સ્થાપત્ય, તત્ત્વજ્ઞાન—કયા ક્ષેત્રમાં જૈનો પાછા પડ્યા છે? જૈનોનું પોતાનું રામાયણ છે: કલાકેન્દ્રો છે: જૈનોનાં દહેરાં તે મંદિરો જ્યાં જુઓ ત્યાં એમની કલાના વિષયની ઉચ્ચ ભાવનાની સાબિતી આપે છે. તત્ત્વજ્ઞાનમાં પણ તેમ જ છે.
જૈનોની સંસ્કૃતિની પશ્ચાદ્ભૂમિના આ જમાનાના પ્રદર્શક તરીકે આચાર્યશ્રી જે કાંઈ કરી ગયા છે તેથી એ ક્ષેત્રમાં એમનું નામ ને એમનું કાર્ય અમરત્વ પામ્યાં છે, એમાં શંકાને કશું સ્થાન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org