________________
પ્રાચીન જ્ઞાનભંડારના ઉદ્ધારક
“આ સિવાય સંધ્યાચાર ભાષ્યવૃત્તિની પ્રતિ જે ભંડારમાં છે તેમાં ગ્રંથકારની પ્રશસ્તિ છે જે બીજી પ્રતોમાં મળતી નથી, આ પ્રમાણે સાહિત્યની દૃષ્ટિએ આ ગ્રંથનું ખૂબ જ મહત્ત્વ છે. પ્રાચીન ચિત્રકળાની દૃષ્ટિએ પણ તેનું ઘણું મહત્ત્વ છે. એકંદરે આ જ્ઞાનભંડાર દરેક રીતે મહત્તાથી ભરપૂર છે. છેવટે આ જ્ઞાનભંડારમાં એક અતિ મહત્ત્વની વસ્તુ છે તે તરફ સૌનું ધ્યાન દોરું છું. આ જ્ઞાનભંડારમાં ગુર્જરેશ્વર મહામાત્ય શ્રી વસ્તુપાલે પોતે સ્વહસ્તે લખેલી ધન્યુદય કાવ્યની એક પ્રતિ છે. મહામાત્ય વસ્તુપાલ જેવી સર્વમાન્ય ઐતિહાસિક વ્યક્તિના હસ્તાક્ષરોનું દર્શન આજપર્યન્ત બીજે ક્યાંય થયું નથી, પરંતુ ખંભાતના જ્ઞાનભંડારે આપણને એ મહત્ત્વની અને અપૂર્વ વસ્તુ પૂરી પાડી છે.''
ઉપર જોયું તેમ આ પ્રાચીન જ્ઞાનભંડારને લગતું મહત્ત્વનું કાર્ય પૂજયપાદ ન્યાયાંભોનિધિ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ વિજયાનંદસૂરિના પટ્ટધર આચાર્ય મહારાજ સ્વર્ગસ્થ શ્રી ૧૦૦૮ વિજયવલભસૂરિએ કર્યું છે. આ જ્ઞાનભંડારને ચિરાયુષ્ય બનાવવા માટે નવેસરથી ડબ્બાઓ, કબાટો વગેરે દરેક વસ્તુઓ તૈયાર કરાવી એને પુનર્જીવન અર્પણ કર્યું છે, એટલું જ નહિ પણ જ્ઞાનભંડારનાં પુસ્તકોનો સદુપયોગ થાય અને વિદ્વાન સંશોધકોને જ્ઞાનભંડારની પ્રતો મળી શકે તેવી સુવ્યવસ્થા કરવા માટેનો અતિ આદરપાત્ર સુંદર પ્રબંધ કરવાનું યશ-પ્રદ કાર્ય કર્યું છે. આવા શાસન પ્રભાવક સૂરિપુંગવને ભૂરિભૂરિ વંદન હો. - ભંડારનું પ્રથમ સૂચિપત્ર ઉ. ક્ષમાવિજયજી મહારાજે તૈયાર કરી આપેલ જે સં. ૧૯૯૫માં પ્રગટ થયેલ. એ ઘણું સંક્ષિપ્ત હતું. ત્યારપછી કાંઈક વિશદ સ્વરૂપમાં આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ વિજયકુમુદસૂરિએ તૈયાર કરી આપેલ જે આજે વપરાશમાં લેવાય છે. સ્વર્ગસ્થ આચાર્યશ્રીની સૂચના મુજબ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજીને વિનંતી કરી સં- ૨૦૦૯માં ખંભાત બોલાવવામાં આવેલ. તેઓશ્રીએ ભંડારની સર્વ પ્રતોને આદિથી અંત સુધી જોઈ વિસ્તૃત સૂચિપત્ર તૈયાર કરેલ છે જે થોડા સમયમાં પ્રગટ થનાર છે. આ ભંડાર માટે સ્વર્ગસ્થ આચાર્યશ્રીએ સમિતિ નીમી કાર્ય શરૂ કરાવ્યું. ત્યારપછી સંખ્યાબંધ પ્રતો જુદાજુદા મુનિ મહારાજને આપવાનો પ્રબંધ થયો. કેટલાકે એ ઉપરથી હસ્તલિખિત પ્રતો તૈયાર કરાવી, જ્યારે કેટલાકે છપાવી. આ સર્વના મૂળમાં સદગત સૂરિજીની દીર્ધદષ્ટિ અને શાસનપ્રભાવનાની ઊંડી ધગશ ઝળહળી રહેલી દૃષ્ટિગોચર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org