________________
જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિની કેટલીક લાક્ષણિકતાઓ
પ્રા૦ અમૃતલાલ સવચંદ ગોપાણી, એમ.એ., પીએચૂ.ડી.
*
આર્ય સંસ્કૃતિના નિર્માણ અને ધડતરમાં વૈદિક અને બૌદ્ધ સંસ્કૃતિઓની જેમ અને જેટલો જ જૈન સંસ્કૃતિનો પણ ફાળો છે. જૈન એટલે જિન ” નો ભક્ત, અનુયાયી અને મન, વાણી તથા શરીર આ ત્રણે ય ઉપર જેણે સર્વાંગસંપૂર્ણ વિજય મેળવ્યો હોય તે “ જિન ”. આ “ જિન ” પછી ગમે તે દેશનો હોય, ગમે તે કાળે થઈ ગયો હોય અને ગમે તે ફિરકાનો હોય. આ એની ઉદારમાં ઉદાર વ્યાખ્યા છે. આમાંથી જૈન ધર્મ અને સંસ્કૃતિની અનાદિતા સ્વતઃ ફલિત થાય છે. જૈન ધર્મ અને સંસ્કૃતિનો ઊગમ કોઈ પણ અન્ય ધર્મ કે સંસ્કૃતિમાંથી થયો નથી; એનું અસ્તિત્વ સ્વતંત્ર છે. ઐતિહાસિક પ્રમાણો અને પુરાણમાં પુરાણુ ગણાતાં શાસ્ત્રો અને ગ્રંથોમાં આવતા ઉલ્લેખો ઉપરથી આ વિધાન હવે અસંદિગ્ધ રીતે પુરવાર થઈ ચૂક્યું છે. એના ઉપર અન્યે, અને અન્ય ઉપર એણે પ્રભાવ અને સંસ્કાર નાખ્યા છે — આ બન્ને વસ્તુઓ સ્વીકારવી જોઇએ. સંસ્કૃતિઓ પારસ્પરિક અસરથી તદ્ન મુક્ત રહી શકતી નથી એ સિદ્ધાંત સર્વમાન્ય છે.
અહિંસા જૈન ધર્મ અને સંસ્કૃતિનો પ્રાણ છે. એટલા માટે એને અહિંસા ધર્મ તરીકે પણ વ્યવહારમાં ઓળખાવવામાં આવે છે. એના મૌલિક સિદ્ધાંતો પૈકીમાં કર્મવાદનો સિદ્ધાંત મોખરે છે, જન્મ અને મરણના ફેરાઓથી રચાતું સંસાર ભ્રમણ એ એક મહાનમાં મહાન દુઃખ એને હિસાબે ગણાય છે. આ દુ:ખ કર્મજન્ય છે. ચોરાશી લાખ યોનિઓમાં ભમતો ભમતો, ઉત્ક્રાન્તિ સાધતો સાધતો આત્મા કર્મમુક્ત થઈ છુટકારો મેળવે છે. એ મોક્ષ સાધ્ય કરી આપવામાં ઈશ્વરાદિ કોઈ બાહ્ય તત્ત્વ નિમિત્ત કારણભૂત નથી બનતું. આત્માએ પોતે જ સિદ્ધિ હાંસલ કરવાની છે. એટલે એનામાં અનંત સામર્થ્યનો સ્વીકાર કરવામાં આવ્યો છે. બાહ્ય પદાર્થની આપખુદ મહેરબાની ઉપર એને જીવવાનું નથી. એ પોતે જ કર્તા, ભોક્તા અને હર્યાં છે. પોતાનાં સુખ-દુ:ખ માટે કોઈને પણ એ જવાબદાર ન ગણી શકે. આમાં રાગ-દ્વેષની પરિણતિનો પરિહાર સમાવિષ્ટ થઈ જાય છે. નિરહંકાર મિશ્રિત પુરુષાર્થનું સંકલન પણ આ સિદ્ધાંતમાંથી જ સ્વતઃ સરે છે, ઝરે છે.
જડ અને ચેતન અર્થાત્ અજીવ અને જવ—આ એ મુખ્ય તત્ત્વો સ્વીકારી, બીજાં સાત તત્ત્વોને— પુણ્યપાપાદિત——અજીવના અવાંતર ભેદો તરીકે સ્થાપી કુલ્લે નવ તત્ત્વોની પ્રરૂપણા જૈન ધર્મે કરી છે.
જગતના સ્રષ્ટા અને સંહારક તરીકે “ઈશ્વર ” ને કલ્પનાર ધર્મોની દૃષ્ટિએ જૈન ધર્મ નિરીશ્વરવાદી ગણાતો હોય તો ભલે ગણાય, પરંતુ નિરીશ્વરવાદી એટલે નાસ્તિક અને નાસ્તિક એટલે નીતિની આવશ્યકતા અને મૂલ્યમાં નહિ માનનાર એવો જો અર્થ કરવામાં આવતો હોય તો તે કેવળ ભ્રાન્ત, અજ્ઞાનયુક્ત અને ન્યાયવિહીન છે. પાપ અને પુણ્યમાં અનીતિ અને નીતિના મૂલ્યાંકનો અંતર્ગત જ છે. આ કહેવાની પણ જરૂરત નથી.
પૃથ્વી, પાણી, તેજ, વાયુ આદિ શ્વરકઈક નથી. તેઓનું અસ્તિત્વ પોતપોતાના ખાસ નિયમોને આભારી છે. ઈશ્વરત્વ આ રીતે જૈન દૃષ્ટિને અનુકૂળ નહિ હોવા છતાં આત્મા પોતે પોતાને બળે પરમાત્મા બની શકે છે એ રીતે ઈશ્વરત્વનો એ અંગીકાર પણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org