________________
સાધુ વાપરે છે તો પરલોક માટે! સાધુ ઊંધે છે તો પરલોક માટે! સાધુ ભણે છે તો પરલોક માટે! સાધુ જીવે છે તો પરલોક માટે!
પરલોકનો માર્ગ અગમ-અગોચર છે. જે આપણી ચામડાની આંખે દેખાવો અશક્ય છે. આ કારણે જ શાસ્ત્ર સાધુની આંખ છે. સાચો સાધુ પોતાના ચર્મચક્ષુની જેટલી સંભાળ કરે એનાથી કંઈ ગણી સંભાળ આ આધ્યાત્મિકચક્ષુની કરે... આ ચક્ષુ જેટલી વધુ તેજ બને એવો પ્રયત્ન કરે. એ ચક્ષુને જરા પણ હાનિ ન પહોંચે એ માટેની તમામ કાળજી કરે જ કરે. અર્થાત્ શાસ્ત્રાભ્યાસ-પરાવર્તનાદિમાં સતત પ્રવૃત્ત રહે...
વર્તમાન જિનશાસનમાં નજીકના વર્ષોથી એક આનંદદાયક + મહત્ત્વપૂર્ણ બાબત બની રહી છે. એ છે “અમારા ગુરુદેવ દ્વારા પ્રેરિત, સાધુ-સાધ્વી ભગવંતોના સંયમ-જીવનના અભ્યત્થાન માટે દર મહિને પ્રગટ થતાં વિરતિદૂત માસિક આયોજિત શાસ્ત્ર-પરીક્ષા યોજના.” આ યોજનાના માધ્યમે વિશેષથી સાધ્વીસંઘમાં શાસ્ત્રાભ્યાસનો નવો જુવાળ ઉક્યો. ૩૨-૩૫ વર્ષના પર્યાયવાળા સાધ્વીજી ભગવંતોએ પણ ગ્રંથવાંચનમાં પગરણ માંડ્યા... શાસ્ત્રવાંચન શરૂ થયું એટલું જ નહિ, શાસ્ત્રોના રહસ્યોને પામી જીવનનું વિશિષ્ટ અભ્યસ્થાન પણ શરૂ થવા લાગ્યું...
દર મહિને સરેરાશ ૨૦૦થી ૨૫૦ જેટલા આવતા ઉત્તરપત્રોની અંદર લખેલા પ્રતિભાવો દ્વારા જ્ઞાનસાર પ્રકરણના શબ્દો એકદમ સાચા જણાય છે.
શાસ્ત્રાભ્યાસના આ માહોલને દેખીને વિરતિદૂતના સંયોજક, અમારા વિદ્યાગુરુદેવશ્રી પૂ.ગુણહંસ વિ.મ.સાહેબે શાસ્ત્રાભ્યાસને વધુ વેગવંતો બનાવવા શાસ્ત્ર પંક્તિને વાંચવાની – ખોલવાની તરકીબો દેખાડતું” “શાસ્ત્રાભ્યાસની કળા” પુસ્તકનું લેખન કર્યું.
કોઈપણ બાબતને સમજાવવામાં દૃષ્ટાન્ત આપવામાં આવે તો તે બાબત વધુ સહેલાઈથી સમજાઈ જાય” આ હેતુથી શાસ્ત્રાભ્યાસની કળાની તરકીબો ગ્રન્થમાં કેવી રીતે - કેવી જગ્યાએ આવે, એના દૃષ્ટાંત દર્શાવવા ઉત્તરાધ્યયનસૂત્ર (પ્રથમ અધ્યયન) અને ઉપદેશમાળા (૧ થી ૫૫ ગાથા) આ બે ગ્રન્થોના ટીકા અંશને ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરવાનું પૂ. વિદ્યાગુરુદેવશ્રીએ વિચાર્યું, કે જેમા ટીકાના અનુવાદ સાથે શાસ્ત્રપંક્તિ ખોલવાની તરકીબો પણ જણાવાઈ જાય..
આજે, આપના કરકમલમાં ઉપદેશમાળા ગ્રંથના ૧ થી ૫૫ ગાથાનો સવિવેચન ટીકાઅંશ આવી ગયો છે. આના અધ્યનની સાથે શાસ્ત્રપંક્તિઓને ખોલવાની તરકીબો પણ શીખી શાસ્ત્રાભ્યાસમાં સહુ સ્વાવલંબી બને, તાત્પર્યોને ગ્રહણ કરનારા બને, વિશિષ્ટ પરિણતિસંપન્ન બને તો અમારી મહેનતનો ઉદ્દેશ પૂર્ણ થશે...