________________ અનુભૂતિ આ પંથકમાં મને થઈ. આ પંથકમાં વાંચનનો વ્યાપ પણ ખૂબ જ વ્યાપક રીતે ફેલાયેલો છે. અહીંના લોકો જિજ્ઞાસુ છે અને એ લોકોની જિજ્ઞાસા જ આ પુસ્તક સર્જનનું પ્રબળ નિમિત્ત છે - તેવું અતિશયોક્તિ વિના કહી શકું છું. અહીં ખુલ્લા પુસ્તક પરીક્ષાઓ પણ બહોળા પ્રમાણમાં અપાય છે, એટલે જ સહજ રીતે લોકોએ પોલિસી પુસ્તકની સાથે સાથે ખુલ્લા પુસ્તકે પરીક્ષા સાંકળી લીધી. આ પોલિસી એક એવો વિષય છે કે એને જેટલો મમળાવવામાં આવશે તેટલી તેની અસર વધુ ગાઢ થશે, અને પરિણામ પણ ઝડપથી મળશે. તેથી 4-5 વાર પુસ્તક વાગોળવું પડે તેવી પરીક્ષાના આયોજનને પણ મેં સમ્મતિ આપી. અનેક સુવિહિત પરમોપકારી ગુરુવર્યોની અવિરત કૃપાધારા વિના જ્યારે હું મારા અસ્તિત્વની જ કલ્પના નથી કરી શકતો ત્યારે આ પુસ્તકનું અસ્તિત્વ તો શું સંભવે ? બુઝ બુઝ ચંડકોશીયા, મોતીચારો, પ્રેરક પ્રસંગો, ચારિત્ર્ય સુવાસ વગેરે પુસ્તકોમાંથી ઘણા દૃષ્ટાંતોનો અહીં સમાવેશ કર્યો છે. તે સૌ પુસ્તકના લેખકોનો આભારી છું. સહૃદયી શ્રી અશ્વિનભાઈ ઝિંઝુવાડીયાએ પણ સુંદર પ્રસ્તાવના લખી આપી છે. તેમની આત્મીયતા, પિપાસુતા અને સહૃદયતા સ્મૃતિપટ ઉપર અંકિત થઈ જાય તેવી છે. પુસ્તકનું મુખપૃષ્ઠ સુંદર રીતે તૈયાર કરનાર મલ્ટી ગ્રાફિક્સવાળા શ્રીમુકેશભાઈની લાગણીએ પણ પુસ્તકને સુંદરતા બક્ષી છે. જુદા-જુદા અનેક તબક્કે આ સમગ્ર આયોજનને સાકાર કરવા અનેક પુણ્યાત્માઓએ અઢળક જવાબદારીઓ સ્વીકારી લઈ મને અનેક ઝંઝટ (!) થી વેગળો રાખ્યો છે, તે સહુની સહાયકતાને શું વીસરાય ? 14