________________
ઝાકળભીનાં મોતી
હોય તો જડે ને ?
રાહદારીએ આવીને પૂછ્યું, “ડોશી ! શું ખોવાયું છે ?” ડોશીએ કહ્યું, “ભાઈ ! ઝૂંપડીમાં મારી સોય ખોવાઈ છે, પણ અહીંયાં પ્રકાશ હોવાથી અહીં ખોળું છું.”
રાહદારી કહે, “અહીં સોય શોધે કંઈ નહિ વળે. ઝૂંપડીમાં પ્રકાશ કરો. તમારી સૌય તો ત્યાં છે ને ?”
સોય ખોવાઈ છે અંધાસથી ભરેલી ઘનઘોર ઝૂંપડીમાં પણ એની ખોજ ચાલે છે દીવાઓથી ઝાકઝમાળ રાજમાર્ગ પર!
**
જીવનની રાહ, તરાહ અને રફતાર આવી જ બેઢંગી અને આટલી જ બેસૂરી સંભળાય છે. માનવીને શોધવું છે શાશ્વત સત્ય, મેળવવી છે પરમ શાંતિ, અને પામવી છે પરમાત્માને ! પણ એની આ ખોજ એવી વિચિત્ર છે કે વાસ્તવમાં એ શોધે છે લાલસા, પામે છે આકાંક્ષા અને મેળવે છે વાસના !
માનવીએ પોતાની મલિન વાસનાઓ અને ક્ષુદ્ર એષણાઓથી ખુદ ઈશ્વરને લપેટી લીધો છે. કહે છે કે અમે પ્રાર્થના કરીએ છીએ, પણ એ પ્રાર્થનાને બળબળતી કામના અને વણછીપી અતૃપ્તિનું સાધન બનાવી દીધી. બધું તજીને એણે ઈશ્વરની પૂજાની વાત કરી. પણ સમર્પણના દેખાવની પાછળ ઊંડેઊંડે માંગણાની ભાવના ડગડગી રહી છે. જ્યાં કામના છે, માંગણી છે, આકાંક્ષા છે, ત્યાં જ વાસના વસે
32
ઝાકળભીનાં મોતી
છે ! જ્યાં વાસના હોય, ત્યાં વળી પ્રાર્થના કેવી !
માનવીનો રાગ આમાં રંગ પૂરે છે. એની માયા સઘળે ફરી વળે છે. અને ત્યાગ તો ક્યાંય દૂર ચાલ્યો જાય છે.
પરમાત્માને પ્રાપ્તિનું સાધન બનાવી દીધા ! પ્રાર્થનાને લાચારની યાચના બનાવી દીધી ! પૂજાને નામે સ્વાર્થનો સ્વાંગ રચ્યો અને ધીરે ધીરે ધર્મ સમસ્તને મિથ્યા વળગણો અને આવરણોથી છાઈ દીધો.
પર્વને ઉત્સવ બનાવી દીધા. એની આસપાસ માયાનાં પડળો ચોટાડી દીધાં. શંકરનો આદર્શ ભુલાયો અને ભાંગના ખેલ રચાયા ! કૃષ્ણજન્મની મહત્તા વીસરી ગયા અને જુગાર ફાલી નીકળ્યો. મહાવીરનો ત્યાગ લોપાઈ ગયો અને ધનવૈભવની રેલમછેલની બોલબાલા થવા લાગી,
પર્વો પવિત્રતાને બદલે પામરતાનાં પ્રતીક બની ગયાં. સત્યને બદલે વંચનાનાં પોષક બની રહ્યાં. હૃદયના ભાવનું સ્થાન ભપકા અને આડંબરે પડાવી લીધું.
માનવીનો આ રાગ નિતનવાં રૂપ રચે છે. જે દેવ તૃષ્ણા છીપાવે, તેની ઉપાસના ચાલે. જે દુનિયાદારીના ખેલમાં વિજય અપાવે તેની બાધા-આખડી ચાલે ! મોટી કામના પૂરી કરનારો મોટો દોષ ગણાય. માનવીએ પોતાની માયાના વેપારમાં ખુદ પ્રભુને પણ જોતરી દીધો છે.
33