________________
છે. એ રીતે, (બંધહેતુનો અભાવ થવાથી) બંધનો અંત થાય છે. અને (બંધહેતુના સદ્ભાવથી) બંધનો અંત થતો નથી.
વિવેચન :- (૧) ચક્ષુદર્શનાવરણીય, (૨) અચક્ષુદર્શનાવરણીય, (૩) અવધિદર્શનાવરણીય, (૪) કેવળદર્શનાવરણીય, (૫) ઉચ્ચગોત્ર, (૬) યશઃકીર્તિ, (૭) મતિજ્ઞાનાવરણીય, (૮) શ્રુતજ્ઞાનાવરણીય, (૯) અવધિજ્ઞાનાવરણીય, (૧૦) મન:પર્યવજ્ઞાનાવરણીય, (૧૧) કેવળજ્ઞાનાવરણીય, (૧૨) દાનાન્તરાય, (૧૩) લાભાન્તરાય, (૧૪) ભોગાન્તરાય, (૧૫) ઉપભોગાન્તરાય, અને (૧૬) વીર્યંતરાય.... એ ૧૬ કર્મપ્રકૃતિનો ૧૦મા ગુણઠાણાના અંતે બંધવિચ્છેદ થાય છે. ચક્ષુદર્શનાવરણીયાદિ-૧૬ કર્મપ્રકૃતિના બંધનું કારણ કષાયોદય છે. કષાયનો ઉદય ૧૦મા ગુણઠાણાના અંત સુધી હોવાથી ચક્ષુદર્શનાવરણીય વગેરે ૧૬ કર્મપ્રકૃતિ ૧૦મા ગુણઠાણાના અંત સુધી જ બંધાય છે. ત્યાર પછી તે પ્રકૃતિઓ બંધાતી નથી એટલે ૧૦માના અંતે ૧૬નો બંધવચ્છેદ કહ્યો છે. ૧૧ થી ૧૩ ગુણઠાણે માત્ર શાતાવેદનીયકર્મ બંધાય છે.
કર્મબંધ-૪ પ્રકારે થાય છે. (૧) પ્રકૃતિબંધ (૨) સ્થિતિબંધ (૩) રસબંધ અને (૪) પ્રદેશબંધ.... એમાંથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનું કારણ યોગ છે. તેમજ સ્થિતિબંધ અને રસબંધનું કારણ કષાયોદય છે. એટલે કષાયોદય ૧૦મા ગુણઠાણા સુધી હોવાથી સ્થિતિબંધ અને રસબંધ ૧૦મા ગુણઠાણા સુધી જ થાય છે. ત્યારબાદ ૧૧ થી ૧૩મા ગુણઠાણા સુધી યોગજન્ય માત્ર પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે. એટલે શાતાવેદનીયકર્મ પ્રથમ સમયે બંધાય છે, બીજા સમયે ઉદયમાં આવે છે અને ત્રીજા સમયે નાશ પામી જાય છે.
સયોગીગુણઠાણે સયોગિકેવળીભગવંતો પોતાનું આયુષ્ય અંતર્મુહૂર્ત જેટલું બાકી રહે છે ત્યારે યોગનિરોધ કરે છે. તે વખતે મન-વચન અને કાયાની પ્રવૃત્તિ (યોગ) અટકી જવાથી યોગજન્ય શાતાવેદનીય કર્મનો બંધવિચ્છેદ થાય છે.
અયોગિગુણઠાણે, અયોગિકેવળીભગવંતો મન-વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ યોગથી રહિત હોવાથી કર્મબંધ થતો નથી. તેથી અયોગિકેવલી ભગવંતોને “અબંધક' કહ્યાં છે.
૧૬૦