________________
ઘણા જીવોના અધ્યવસાયની વિશુદ્ધિ સરખી પણ હોય છે. એટલે જેટલા જીવો સરખી વિશુદ્ધિવાળા હોય, તે સર્વેનું એક જ અધ્યવસાયસ્થાન ગણાય છે. જેમ એક ધોરણમાં હજાર વિદ્યાર્થી છે. તે સર્વેની બુદ્ધિ એકસરખી હોતી નથી પણ તેમાંના કેટલાકની બુદ્ધિ સરખી હોય છે. કારણકે પરીક્ષામાં પ વિદ્યાર્થી ૧૦૦..... ૭ વિદ્યાર્થી ૯૯..... ૨૫ વિદ્યાર્થી ૭૫ અને ૧૦૦ વિદ્યાર્થી ૩૫ માર્કસ્ મેળવે છે. એટલે ક્રમશઃ ૫, ૭, ૨૫ અને ૧૦૦ વિદ્યાર્થીની બુદ્ધિ સરખી ગણાય. એ રીતે, સરખી સરખી બુદ્ધિવાળાનો એક એક વર્ગમાં સમાવેશ કરવાથી કુલ ૧ થી ૧૦૦ વર્ગમાં હજા૨ વિદ્યાર્થીનો સમાવેશ થઈ જાય છે. તેમ અહીં સરખી સરખી વિશુદ્ધિવાળા જીવોનું એક એક અધ્યવસાયસ્થાન ગણી લેવાથી અનંતજીવોનો અસંખ્ય અધ્યવસાયમાં સમાવેશ થઈ જાય છે. તેથી શાસ્ત્રમાં અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ જ અધ્યવસાયો કેવળીભગવંતે કહ્યાં છે.
પ્રશ્ન : (૬૧) અપૂર્વકરણગુણઠાણામાં પૂર્વ-પૂર્વના સમય કરતાં પછી પછીના સમયમાં થોડા થોડા અધ્યવસાયો વધી કેમ જાય છે ? જવાબ :- પ્રથમસમયે એક-એક અધ્યવસાયસ્થાને સરખી વિશુદ્ધિવાળા ઘણા જીવો હોય છે પણ ક્ષયોપશમની વિચિત્રતાને કારણે તેઓની વિશુદ્ધિ બીજા સમયે ન્યૂનાધિક પ્રમાણમાં થઈ જવાથી અધ્યવસાયસ્થાનો વધી જાય છે. જેમ પહેલા ધોરણમાં ૩૫ માર્કસ મેળવનારા ૧૦૦ વિદ્યાર્થી હતા. તે જ વિદ્યાર્થીઓ બીજા ધોરણમાં આવ્યા પછી તેમાંનો કોઈ ૪૦, કોઈ ૫૦, કોઈ ૬૦ માર્કસ પણ મેળવે છે. તેમ અહીં પહેલાસમયે સરખી વિશુદ્ધિવાળા જે જીવો હતા તે જ જીવો બીજાસમયે આવી જતાં, તેમાંના કોઈની વિશુદ્ધિ અલ્પ વધે છે, તો કોઈની વિશુદ્ધિ ઘણી વધે છે. એટલે સરખી વિશુદ્ધિવાળા જીવોની વિશુદ્ધિમાં બીજાસમયે ન્યૂનાધિક પ્રમાણમાં વધારો થઈ જવાથી તેઓ જુદા પડી જાય છે. એટલે તેઓનું અધ્યવસાયસ્થાન જુદુ પડી જવાથી બીજાસમયે થોડા અધ્યવસાયો વધી જાય છે.
એ રીતે, અપૂર્વકરણના છેલ્લા સમય સુધી સમજવું. પ્રશ્ન : (૬૨) નિવૃત્તિ અને અનિવૃત્તિગુણઠાણાનો તફાવત જણાવો.
૨૪૫