________________
જ્યોતીબાની હત્યા કરવાના ઇરાદે આવેલા બે શક્તિશાળી હત્યારાઓ ઘરમાં દાખલ થયા. એમણે જોયું તો અનાથ, ગરીબ અને શ્રમજ્વીનાં બાળકોને આ પતિ-પત્ની અખૂટ વહાલપૂર્વક સુવાડતાં હતાં. જ્યોતીબાએ બંને મારાઓને પ્રવેશતા જોયા. એમને થયું કે કોઈ નિરક્ષર મજૂરો પત્ર વંચાવવા આવ્યા લાગે છે. આવી રીતે ઘણા મજૂરો જ્યોતીબા પાસે પત્ર વંચાવવા આવતા હતા. બોલ્યા, “ભાઈ, થોડી વાર બેસો. આ મારાં છોકરાં સૂઈ જવાની તૈયારીમાં છે, એ પછી તમારો પત્ર હું વાંચી દઈશ.”
મારાઓ જ્યોતીબા પાસે બેઠા, કિંતુ આ દૃશ્ય જોઈને એમનું હૃદય પીગળી ગયું. એમણે જ્યોતીબા ફુલેનાં ચરણ પકડી લીધાં અને કહ્યું, “અમે તમારી હત્યા કરવા આવ્યા હતા. તમારી આવી દયાભાવના જોઈને અમને થાય છે કે તમારી હત્યા કરી હોત, તો કેટલાંય બાળકો અનાથ બની ગયાં હોત. ખોટે માર્ગે ચાલીને અમારા જેવા ખૂની અને હત્યારાં બન્યાં હોત. તમે અમને માફ કરો."
જ્યોતીબાએ કહ્યું, “તમને એક જ શરતે માફ કરું કે તમે શિક્ષણ મેળવો અને આગળ વધો.”
આ બંને હત્યારાઓએ જ્યોતીબાના કહેવા પ્રમાણે ભણવાનું શરૂ કર્યું. એમાંનો એક ક્ષમાના સાગર જ્યોતીબા ફુલેનો જીવનભરનો સાથી બની રહ્યો અને બીજાને એમણે કાશીમાં પંડિત થવા માટે મોકલ્યો.
24 D પ્રસન્નતાનાં પુષ્પો
૧૩
ઈશ્વર અહંકારને ખાય છે !
ધર્મજિજ્ઞાસુ રાજાના દરબારમાં અનેકવિધ ચર્ચાઓ થતી હતી. કોઈ વાર શાસ્ત્રના કોઈ સૂત્રના મર્મ કે રહસ્ય અંગે રાજા પ્રશ્ન પ્રસ્તુત કરતા, તો કોઈ વાર બુદ્ધિમાનોની કસોટી કરે એવી સમસ્યાઓ પૂછતા હતા.
એક વાર રાજાએ સભાને ત્રણ પ્રશ્નો પૂછ્યા, “ઈશ્વર ક્યાં વસે છે ? શું ખાય છે ? અને શું કરે છે ?"
રાજસભા મૂંઝવણમાં પડી ગઈ. પંડિતોએ ઈશ્વર અંગે જીવનભર ઘણી ચર્ચા-વિચારણા કરી હતી. ભક્તોએ એનું અહર્નિશ મહિમાગાન કર્યું હતું. સામાન્ય માનવીઓએ એના પરચા અને ચમત્કારોની કેટલીય વાતો કરી હતી, પરંતુ કોઈની પાસે આનો પ્રત્યુત્તર નહોતો.
રાજસભામાં સન્નાટો છવાઈ ગયો, ત્યારે આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે એક સીધોસાદો કોઠાસૂઝ ધરાવતો અનુભવી માનવી ઊભો થયો.
રાજાને થયું કે આવા કૂટપ્રશ્નોનો ઉકેલ આપવામાં ભલભલા પંડિતો નિષ્ફળ ગયા, ત્યાં આ વળી કઈ રીતે ઉત્તર આપશે ? રાજાએ એને પૂછ્યું, “બતાવ, ઈશ્વર ક્યાં વસે છે ?”
અનુભવીએ કહ્યું, “મહારાજ, હું આપનો અતિથિ છું. અતિથિનું યોગ્ય સ્વાગત-સન્માન કરવું તે આપણી પ્રાચીન પરંપરા
પ્રસન્નતાનાં પુષ્પો – 25