Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ ૨૩ ગરીબનું ભિક્ષાપાત્ર અક્ષયપાત્ર બની ગયું ! ચોતરફ દુષ્કાળના ઓળા પથરાયા હતા. પ્રજા અન્નના એક-એક દાણા માટે વલખાં મારતી હતી. દુષ્કાળના ખપ્પરમાં કેટલાય માનવીઓ ભોગ બની ચૂક્યા હતા. ચોતરફ ઘાસચારાના અભાવે મૃત પ્રાણીઓનાં હાડપિંજર દૃષ્ટિગોચર થતાં હતાં. કરુણાસાગર ભગવાન બુદ્ધથી દુષ્કાળની આ વિદારક પરિસ્થિતિ સહન થતી નહોતી. એમણે રાજા, શ્રેષ્ઠી સહિત સહુ નગરજનોને એકત્રિત કર્યા અને દુષ્કાળની યાતના હળવી કરવા માટે કોઈ વ્યવસ્થા કરવા કહ્યું. નગરના સમૃદ્ધ વેપારીએ કહ્યું, “દુષ્કાળનું દુઃખ આપણે જોઈ શકતા નથી તે સાચું છે, પરંતુ એના નિવારણ માટે આપણી પાસે ધન કે અન્ન નથી. હું મારું તમામ સંચિત ધન અને અનાજ આપી દેવા તૈયાર છું, પરંતુ એ એટલું નથી કે જેનાથી એક સપ્તાહ સુધી તમામ નગરજનોના ભોજનનો પ્રબંધ થઈ શકે." ભગવાન બુદ્ધની દૃષ્ટિ નગરશેઠ પર પડી. એમણે કહ્યું, “આપ આજ્ઞા આપો તો હું મારા પૂર્વજોની અને મેં સંચિત કરેલી સઘળી ધનરાશિ સમર્પિત કરી દઉં, પણ તેથી શું ? એનાથી નગરજનોને માંડ પખવાડિયું પણ ભોજન આપી શકાશે નહીં.” સ્વયં રાજાએ પણ પોતાની અસમર્થતા પ્રગટ કરી. સભામાં ખામોશી છવાઈ ગઈ. બધા માથું નમાવીને હતાશ થઈને બેસી રહ્યા. આ સમયે સહુથી પાછળ બેઠેલી મેલાંઘેલાં વસ્ત્રોવાળી એક ગરીબ મહિલા ઊભી થઈ અને હાથ જોડીને બોલી, “પ્રભુ આજ્ઞા 46 – પ્રસન્નતાનાં પુષ્પો આપે તો હું નગરના તમામ દુષ્કાળ પીડિતોને ભોજન કરાવી શકીશ.” સહુએ એ ગરીબ નારીને જોઈ. કેટલાકે એની ઠઠ્ઠા-મજાક કરી, તો કોઈએ ગુસ્સે ભરાઈને એને પૂછ્યું પણ ખરું, “તારી પાસે તો કોઈ મોટો ખજાનો હોય, એમ લાગે છે. એમાંથી તું બધાને ભોજન કરાવીશ, ખરું ને !' આખી સભા ગરીબ નારી પર ફિટકાર વરસાવતી હતી, ત્યારે ભગવાન બુદ્ધ એને જોઈને પ્રસન્નતા અનુભવતા હતા. તેઓ જાણતા હતા કે વેપારી, નગરશેઠ અને રાજાના સહિયારા પ્રયાસો પણ જે કામ કરી શકે તેમ નથી, એ કામ સાચા હૃદયથી સેવા કરવા માટે તત્પર જનસેવક જ કરી શકે તેમ છે . તે મહિલા ભલે ગરીબ હોય, પરંતુ એનામાં સાહસ અને સંકટની સામે લડવાની અનોખી તાલાવેલી છે. બીજા સહુએ હતાશા પ્રગટ કરી, ત્યારે આ મહિલાએ આશા અને આત્મવિશ્વાસ સાથે દુષ્કાળનિવારણની હામ ભીડી. સભાજનોની શંકા કે સંશયની પરવા કર્યા વિના એ મહિલાએ કહ્યું, “હું તો ઈશ્વરકૃપાને આધારે પ્રયાસ કરીશ. મારું કર્તવ્ય તો પ્રયાસ કરવાનું છે. મારો ધનભંડાર તો આપ સહુના ઘરમાં છે. આપની ઉદારતાથી જ મારું ભિક્ષાપાત્ર અક્ષયપાત્ર બનશે." એ સામાન્ય નારી જ્યાં જ્યાં ભિક્ષા લેવા ગઈ, ત્યાં-ત્યાં લોકોએ પોતાનો ધનભંડાર ખુલ્લો મૂકી દીધો અને જ્યાં સુધી ખેતરોમાં ફરી અન્ન ઊગ્યું નહીં, ત્યાં સુધી આ સામાન્ય ગરીબ નારી નગરજનોને ભોજન આપતી રહી. પ્રસન્નતાનાં પુષ્પો C 47

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82