________________
ગુરુમાતાની ગૌરવ ગાથા
શાંતિદાયક શ્રી શાંતિનાથદાદાની શીતલ છાયામાં ભકિતભાવનાં આંદોલનથી હર્યા-ભર્યા આદરિયાણા ગામમાં અમૃતલાલ શેઠનાં ધર્માનુરાગિણી... શાસનનાં સંઘનાં.. ગામનાં કોઇપણ કામોમાં લોક જીભે ગવાયેલ....બબુમા નામનાં ધર્મપત્નીની રત્નકુક્ષિમાં તા. ૧૭-૨-૧૯૩૩ મહા વદિ ૭ ના શુભદિને રત્ન અવતર્યું.
રાશિકૃત નામહતું રંભા...પણ જીવનમાં સાધનાનો સૂર્યોદય થવાનો છે એવો સંકેત જાણે ન હોય એમ સૂર્યોદયે જન્મથવાથી એ રંભાને બદલે સ્વજનોએ “પ્રભા” એવું હુલામણું નામ રાખ્યું.
પાર્વતી બા (મોટા બા)નાં શિક્ષા અને સંસ્કારથી ઘડાયેલ પ્રભાબેન દીક્ષાની ખાણસમી ધર્મનગરી ઝીંઝુવાડામાં વસતા ડોસાભાઇનાં સુપુત્ર ચંદુલાલભાઇનાં જીવનસંગાથિની બન્યાં...બંનેનાં ધર્મમય જીવનની વેલડીએ બે સુપુત્રો અને ચાર પુત્રીઓ રૂપી પુષ્પો પાંગર્યા. જન્મતાં જ એમને સંયમનાં સંસ્કારોનાં અમીપાનથી સિંચ્યા. જે આજે પોતાની સાથે સંયમનાં સહસામ્રવનમાં જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગની સુવાસ પ્રસરાવી રહ્યાં છે. સાસુ-સસરાદિ વડીલોની સેવા એ જેમનો જીવનમંત્ર હતો...જેથી લોકજીભે આદર્શમય કુળવધૂ તરીકે ગવાયા....સેવાકાર્યની વ્યસ્તતા વચ્ચે પણ સંયમધર સાધુ-સાધ્વીજી ભગવંતોની ભક્તિમાં પણ સૌથી મોખરે...ગોચરી-પાણીથી આરંભીને દવા-અનુપાન આદિ કાંઇપણ કામહોય, તો દોડીને કરવું. આ જ સેવા-ભક્તિએ એમને સંયમના રાહી બનાવ્યા...
સં. ૨૦૩૩ના વૈશાખ સુદી ૧૦ને દિને પ્રભાબેન સ્વપરિવાર સાથે બન્યા શ્રી રમ્યગુણાશ્રીજી મહારાજ. સંયમી જીવનમાં યથાશક્તિ તપયોગનાં ઝૂલણે ઝૂલતાં રહ્યાં. વર્ષીતપ-૫, ભદ્રતપ, ધર્મચક્રતપ, ૧૦૮ પાર્શ્વનાથ તપ,નમસ્કાર મહામંત્ર તપ, અઠ્ઠાઈ, ૫૦૦ આયંબિલ ઇત્યાદિ તપ અને અનેક તીર્થોના દર્શન-સ્પર્શન દ્વારા પ્રભુભક્તિમય બની આત્માને નિર્મળ બનાવી રહ્યાં છે.
ગુર્વાજ્ઞાપાલન એ જેમના જીવનનો પ્રાણ છે. સંયમસાધના એ જેમના હૃદયનો ધબકાર છે. આચારચુસ્તતાદિ જેમના જીગરનાં જ્વલંત આદર્શો છે.
એવા ગુરુમાતાનો નિર્મળ સંયમજીવનનો પ્રવાહ શત-સહસ્ર વર્ષો સુધી અમારા જેવા અનેક આત્માઓને પવિત્ર બનાવતો છતો પરમાત્માની પરમપ્રભુતાનાં પારાવારમાં પ્રવાહિત થઇ જાય એવી પરમકૃપાળુને પ્રાર્થના.....